02 November, 2026 02:27 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારના આરામાં કચરાનાં નાળાંમાં કાદવ અને ઘરોની ધૂળમાંથી પણ સોનું નીકળે છે. આમ તો લોકો કચરાથી દૂર જ રહેવાનું પસંદ કરે, પરંતુ આ વિસ્તારમાં સોના-ચાંદીના ધંધાને કારણે રોડ પરની ધૂળમાં અને કચરાના નાળામાં પણ સોનું કે ચાંદી નીકળે છે. આ જ કારણોસર અનેક લોકો આ વિસ્તારમાં કચરો ફંફોસવાનું કામ કરે છે. આરામાં બે બજારો છે જેમાં સોના-ચાંદીનો ધૂમ વેપાર થાય છે. આરાના ગુદરી બજાર અને જગજીવન માર્કેટ પાસે સોનાનાં ઘરેણાં બનાવવાનું અને પૉલિશિંગનું કામ થાય છે. આ કામ દરમ્યાન સોનાના સૂક્ષ્મ કણો ધૂળ અને ગારામાં ફેલાઈ જાય છે. એને કારણે લોકો અહીં કચરો, માટી અને કીચડ ગાળે છે. સ્થાનિકો તો આ કામમાં જોડાય જ છે, પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી પણ મજૂરો અહીં પોતાનું નસીબ ચમકાવવા આવે છે. આ વિસ્તારની ધૂળ એકઠી કરીને એમાંથી સોનું ગાળવા માટે આપવામાં આવે છે. અલબત્ત, બધાને કંઈ સોનાનો દલ્લો હાથ લાગતો નથી, પરંતુ જ્યારે કિસ્મત ચમકે ત્યારે ખૂબ સારી કિંમત મળી જાય છે.