૨૦૩૦ ફિફા વર્લ્ડ કપ પહેલાં મૉરોક્કો૩૦ લાખ સ્ટ્રે ડૉગ્સને મારી નાખશે

18 January, 2025 04:05 PM IST  |  Morocco | Gujarati Mid-day Correspondent

ટલાક કેસમાં કૂતરાઓને ક્લૅમ્પિંગ ડિવાઇસથી પકડીને અમાનવીય રીતે મારી નાખવામાં આવે છે. આવું તત્કાળ બંધ કરવામાં આવે એવી માગણી પ્રાણીપ્રેમીઓએ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

૨૦૩૦માં મૉરોક્કોમાં ફિફા (FIFA - ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ અસોસિએશન ફુટબૉલ) વર્લ્ડ કપનું આયોજન થવાનું છે એ પહેલાં દેશમાં શહેરોને સ્વચ્છ કરવાની ઝુંબેશમાં ૩૦ લાખ રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવશે એવા અહેવાલ છે. આ યોજના વિશે લોકોમાં ભારે રોષ છે અને પ્રાણીપ્રેમી સંસ્થાઓએ આ ઝુંબેશને રોકવા માટે બાંયો ચડાવી છે. તેમનું કહેવું છે કે દેશમાં હજારો કૂતરાઓને મારી નાખવામાં આવ્યા છે. ઍનિમલ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ જેન ગુડઓલે ફિફાના સેક્રેટરી જનરલ મટિયાસ ગ્રાફસ્ટ્રોમને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે ફિફા આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યું છે.

આ પત્રમાં જેન ગુડઓલે કહ્યું છે કે ‘મને આ વાતની જાણ થઈ છે. પ્રાણીપ્રેમી એવા ફુટબૉલના ચાહકો આ બાબતે શા માટે ચૂપ બેઠા છે એ સમજાતું નથી. આ મુદ્દે ફિફા સંસ્થા કોઈ પગલાં નહીં  ભરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તમે ફિફાની ખોવાયેલી પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા માગો છો અને આવા મુદ્દે તમે ચૂપ રહેશો તો કેમ ચાલશે? રખડતા કૂતરાઓની સમસ્યાને દૂર કરવા બીજા ઘણા ઉપાયો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘણી સંસ્થાઓ આ મુદ્દે મૉરોક્કોના પ્રશાસનને મદદ કરવા આતુર છે.’

એવા આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે કૂતરાઓની ઝેર આપીને અથવા ગોળી મારીને હત્યા કરવામાં આવી રહી છે. કેટલાક કેસમાં કૂતરાઓને ક્લૅમ્પિંગ ડિવાઇસથી પકડીને અમાનવીય રીતે મારી નાખવામાં આવે છે. આવું તત્કાળ બંધ કરવામાં આવે એવી માગણી પ્રાણીપ્રેમીઓએ કરી છે.

morocco fifa world cup football international news news world news offbeat news