02 December, 2023 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લગ્નની સીઝનમાં ઘણી વખત સોશ્યલ મીડિયા પર રમૂજી વિડિયો અને હટકે વેડિંગ કાર્ડ વાઇરલ થાય છે. ક્યારેક જાનૈયાનો ડાન્સ તો ક્યારેક દુલ્હનનો ડાન્સ વાઇરલ થાય છે. ક્યારેક વેડિંગ કાર્ડમાં આધાર કાર્ડ પર આમંત્રણ જોવા મળે છે, તો ક્યારેક કોઈક નવો જ અખતરો કરી દેતાં એ સોશ્યલ મીડિયા પર ચર્ચા જગાવે છે. આવું જ એક વેડિંગ કાર્ડ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે, જેને જોઈને લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આમ તો સોશ્યલ મીડિયા પર ઘણાં અજીબોગરીબ વેડિંગ કાર્ડ જોવા મળશે, પણ ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં જોવા મળેલું કાર્ડ જોતાં જ લોકો એટીએમ સમજી બેઠા હતા. આ કાર્ડની ખાસિયત એ જ છે કે એ હૂબહૂ એટીએમ કાર્ડ જેવું દેખાય છે. આ કાર્ડની એક બાજુ વેડિંગ ઇન્વિટેશન સાથે વર-વધૂનાં નામ અને તારીખ લખી છે, તો બીજી તરફ વધારાની માહિતી છાપવામાં આવી છે. આ અનોખું વેડિંગ કાર્ડ ઇન્સ્ટાગ્રામ પર ઇટ્સઑલઅબાઉટકાર્ડ્સ નામના અકાઉન્ટથી શૅર કરવામાં આવ્યું છે. આ જ પેજ પર તમને ઘણાં હટકે વેડિંગ કાર્ડની ડિઝાઇન જોવા મળશે.