રેકૉર્ડબ્રેક સુરંગો શોધી કાઢનારા હીરો ઉંદરનું સ્ટૅચ્યુ મુકાયું કમ્બોડિયામાં

10 April, 2026 05:51 PM IST  |  Cambodia | Gujarati Mid-day Correspondent

આ ઉંદર ૩૦થી ૪૦ સેન્ટિમીટરના હોય છે. સૌથી વધુ સફળતા મેળવનારા રોનિનને હવે હીરો રૅટનું બિરુદ મળ્યું છે અને કમ્બોડિયામાં એનું એક સ્ટૅચ્યુ પણ લાગ્યું છે.

રેકૉર્ડબ્રેક સુરંગો શોધી કાઢનારા હીરો ઉંદરનું સ્ટૅચ્યુ મુકાયું કમ્બોડિયામાં

કમ્બોડિયાના ઉત્તરી પ્રાંત પ્રીહ વિહારમાં એક નાનકડો ઉંદરડો આજકાલ ચર્ચામાં છે. ગ્રેટ આફ્રિકન પાઉચ્ડ રૅટ પ્રજાતિનો રોનિન નામનો આ ઉંદર સામાન્ય નથી. રોનિનભાઈને ૨૦૨૧માં એક ચૅરિટી સંગઠન દ્વારા ટ્રેઇનિંગ આપવામાં આવેલી. એ પછી તે બારુદી સુરંગો શોધવામાં માહેર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં રોનિને ૧૦૯ લૅન્ડમાઇન અને ૧૫ અનએક્સપ્લોડેડ ગ્રેનેડ અને મૉર્ટાર શોધી કાઢ્યા છે. એક ઉંદર દ્વારા સૌથી વધુ બારુદી સુરંગ શોધી કાઢવાનો રેકૉર્ડ હવે રોનિનના નામે છે. આ ઉપલબ્ધિ પછી એણે માગાવા નામના ઉંદરને પાછળ રાખી દીધો છે. રોનિન હજી પાંચ વર્ષનો છે અને બીજા એક-બે વર્ષ કામ કરી શકે એવી સંભાવના છે. રોનિન જેવા ઉંદરોને કમ્બોડિયાની APOPO નામની સંસ્થા તાલીમ આપે છે. આ ઉંદરો જમીનની અંદર છુપાવેલી સુરંગો શોધી લે છે અને દુશ્મનોએ બિછાવેલી જાળને ઉકેલવામાં સૈનિકોને મદદ કરે છે. આ ઉંદર ૩૦થી ૪૦ સેન્ટિમીટરના હોય છે. સૌથી વધુ સફળતા મેળવનારા રોનિનને હવે હીરો રૅટનું બિરુદ મળ્યું છે અને કમ્બોડિયામાં એનું એક સ્ટૅચ્યુ પણ લાગ્યું છે.

offbeat news cambodia international news wildlife gujarati mid day