28 June, 2023 12:09 PM IST | Las Vegas | Gujarati Mid-day Correspondent
લાસ વેગસમાં એલિયન્સની વધુ એક ઘટના
બ્રહ્માંડમાં પૃથ્વી ઉપરાંત ઘણા બધા ગ્રહ છે ત્યાં પણ આપણા જેવા કે એનાથી અલગ જીવો વસતા હશે એવી કલ્પના માણસ કરતો હોય છે. વૈજ્ઞાનિકો પણ આવી કોઈ ભેદી વસ્તુઓ વિશે જાણવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ હજી સુધી કંઈ ખાસ નક્કર કહી શકાય એવું મળ્યું નથી. છતાં નાનાં-મોટાં છમકલાં બનતાં રહે છે. અમેરિકાના લાસ વેગસના આકાશમાં એક અજાણી વસ્તુ ઊડતી જોવા મળી હતી. એ પહેલાં એક પરિવારે એવો દાવો કર્યો હતો કે મોટી ચળકતી આંખવાળા ૧૦ ફુટના એલિયન્સ તેમના વાડામાં હતા. એ ઉપરાંત પોલીસે દેખાડેલા ફુટેજમાં આકાશમાં વિચિત્ર પ્રકાશ જોઈ શકાય છે. બુધવારે ૨૨ જૂને રાતે ૧૦.૩૦ વાગ્યે લાસ વેગસના આકાશમાં એક વ્યક્તિએ ૨૦ મિનિટ સુધી આકાશમાં એક ચળકતી વસ્તુ જોઈ હતી. કેટલાક લોકોએ એવું અનુમાન કર્યું કે એ શુક્રનો ગ્રહ હોઈ શકે છે, પરંતુ ઘણાનું માનવું છે કે એ કંઈક બીજું જ હતું. સપ્તાહના અંતે એક લીલા રંગનો અગનગોળો જે ઉલ્કા હોવાનું માનવામાં આવે છે એને સૅન ડીએગોના રહેવાસીઓએ આકાશમાંથી પડતો જોયો હતો.
દરમ્યાન પોલીસે જેમના ઘરની પાછળના ભાગમાં ૧૦ ફુટના એલિયન્સ જોયા હોવાનું જણાવ્યું હતું તેમના ઘરની બહાર હાઇ-ટેક કૅમેરા બેસાડ્યા હતા. વળી ઘણાનું માનવું છે કે પરિવારના લોકો સાચું બોલી રહ્યા છે, કારણ કે લોકોએ આકાશમાંથી એક ચળકતો ભૂરા રંગનો બૉલ પસાર થતો જોયો હતો. એની ૩૯ મિનિટ બાદ એક રહેવાસીએ પોલીસને ફોન કર્યો હતો કે ‘મારા ઘરની બહાર બે અજાણી વ્યક્તિ છે, જેની ઊંચાઈ ૮ ફુટ છે. હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે હું ખોટું નથી બોલી રહ્યો. બન્ને બહુ મોટા છે. મને એલિયન્સ જેવા લાગે છે. તેઓ ૧૦૦ ટકા માનવ નથી.’
પોલીસે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી, પરંતુ બીજી કોઈ નવી માહિતી મળી નહોતી.