બ્રેઇન-ડેડ દરદીને લઈ જતી ઍમ્બ્યુલન્સમાં ઝાટકો લાગ્યો અને મહિલા ફરી પાછી શ્વાસ લેતી થઈ ગઈ

12 March, 2026 12:59 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

એ પછી લગભગ ૧૩ દિવસ સારવાર ચાલી અને હવે વિનીતા શુક્લા એકદમ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. 

વિનીતા શુક્લા નામનાં દરદી

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક હૉસ્પિટલમાં બ્રેઇન-ડેડ ઘોષિત થયેલાં વિનીતા શુક્લા નામનાં દરદીને ઍમ્બ્યુલન્સને લાગેલા એક ઝાટકાએ નવું જીવન બક્ષ્યું હતું. વાત એમ હતી કે બાવીસમી ફેબ્રુઆરીએ વિનીતાબહેન ઘરમાં જ અચાનક બહોશ થઈ ગયાં હતાં. તરત જ તેમને જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવાયાં. ત્યાં તેમને બરેલીની મોટી હૉસ્પિટલમાં લઈ જવાનું કહેવાયું. બે દિવસ માટે તેમને ત્યાં વેન્ટિલેટર પર રાખ્યાં અને પછી ડૉક્ટરોએ તેમને બ્રેઇન-ડેડ જાહેર કરી દીધાં, કેમ કે તેમના શરીરમાં કોઈ હલચલ નહોતી થઈ રહી. ડૉક્ટરોએ કહ્યું કે વેન્ટિલેટર પરથી હટાવતાં જ તેમનું મૃત્યુ થઈ જશે. એ પછી પણ પરિવારજનોએ તેમને ઘરે લઈ જવાનું નક્કી કર્યું. ૨૪ ફેબ્રુઆરીએ ઍમ્બ્યુલન્સ લઈને તેમને ઘરે લાવી રહ્યા હતા અને ઘરમાં માતમનો માહોલ હતો. અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ ચૂકી હતી. જોકે ઘરે પહોંચતાં પહેલાં જ રોડ પર ખાડાને કારણે જોરદાર ઝાટકો લાગ્યો. આમ તો ખાડા જીવ લેતા હોય છે, પરંતુ આ ખાડાના ઝાટકાએ વિનીતાબહેનના શરીરના ફરીથી શ્વાસ ચાલતા કરી દીધા. શરીરમાં હલચલ થતી જોઈને તરત જ તેમને ફરીથી નજીકમાં આવેલી પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાયાં. પ્રાઇવેટ હૉસ્પિટલના નિષ્ણાતોને લાગ્યું કે કદાચ દરદીને સાપ કરડ્યો છે એટલે તેમણે ઍન્ટિ-વેનમ ઇન્જેક્શન આપ્યું હતું. એ પછી લગભગ ૧૩ દિવસ સારવાર ચાલી અને હવે વિનીતા શુક્લા એકદમ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. 

offbeat news national news bareilly uttar pradesh mumbai potholes