05 August, 2024 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉનાળામાં પરસેવે રેબઝેબ થઈ જવાય અને ઘણી વાર તો મગજ કામ કરતું બંધ થઈ જાય, પણ અમુક લોકો આફતને અવસરમાં પલટી નાખતા હોય છે અને ગરમીથી રાહત મેળવવા જુગાડ કરી નાખે છે. આવા જ એક જુગાડનો વિડિયો સોશ્યલ મીડિયા ઍક્સ પર વાઇરલ થયો છે. એક યુવાને કૂલર અને પેડસ્ટલ ફૅનની સાથે સ્પ્રે કરવાનું મશીન જોડી દીધું છે. ઍર કન્ડિશનર (AC) બગડી ગયું હોવાથી ગરમીમાં ઠંડક મેળવવા માટે ભાઈએ હવાની સાથે-સાથે પાણીનો પણ છંટકાવ થાય એવો કીમિયો અજમાવ્યો. આવા ફળદ્રુપ ભેજાબાજોને ક્યારેય કોઈ મુશ્કેલી ન નડે.
ઇન્ડિકેટર બગડે તો પગથી સાઇડ બતાવી દેવાની, પણ નિયમો તો પાળવાના જ
ઘણા લોકો કાયદા અને નિયમપાલનમાં એટલાબધા ચુસ્ત હોય છે કે કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં ચૂકતા નથી. ઍક્સ પર આવા જ એક વીર વાહનચાલકનો વિડિયો ફરી રહ્યો છે. એક વાહનચાલક હેલ્મેટ પહેરીને સ્કૂટી પર ક્યાંક જઈ રહ્યો છે. તેને ડાબી બાજુએ વળવાનું હતું, પરંતુ ઇન્ડિકેટર ચાલુ નહોતું એટલે જાણે સાઇડ બતાવતા હોય એમ તેણે ડાબો પગ લાંબો કરીને હલાવ્યો. તમે કદાચ જોયું હશે, ઘણાં શહેરોમાં રિક્ષાચાલકોની સાઇડ બતાવવાની આવી જ સ્ટાઇલ હોય છે.
કાવેરી નદી પાસે ૩ દિવસથી ફસાયેલા ૭ શ્વાનને ફાયર-બ્રિગેડે ડ્રોન દ્વારા બિરયાની ખવડાવી
તામિલનાડુના મેટ્ટુર બંધની ૧૬ ચૅનલ સ્લુઇટ ગેટથી ગુરુવારે પાણી છોડાયું હતું એટલે કાવેરી નદીમાં પૂર આવતાં સાત કૂતરા ત્યાં ફસાઈ ગયા. પાણીનો વિડિયો બહાર આવતાં આખી વાતની જાણ થઈ. સાતેય શ્વાન ત્રણ દિવસથી ખાધાપીધા વિના ભટકતા હતા એટલે ફાયર-બ્રિગેડ અને બચાવ-કર્મજારીઓએ ડ્રોન કૅમેરા થકી બિરયાની મોકલવાનું નક્કી કર્યું. આ માટે ૩૦ કિલો વજન ખમી શકે એવા ડ્રોન સાથે બિરયાની બાંધીને ઉડાડ્યું અને કૂતરા હતા ત્યાં પૅકેટ ફેંક્યું. ત્રણ દિવસના ભૂખ્યા કૂતરા પેટ ભરીને જમ્યા. હવે કૂતરાને સલામત રીતે ખસેડવા માટે પાંજરામાં ભોજન રાખીને ડ્રોન સાથે મોકલવાની યોજના ઘડાઈ રહી છે.
ડૉગની માલિકણને બે મહિનાની જેલની સજા થઈ
ન્યુ ઝીલૅન્ડમાં નુગ્ગી નામના ડૉગીને એની માલિકણ જરૂર કરતાં વધુ ખવડાવતી હોવાથી ડૉગીભાઈ ચાલી શકતા નહોતા. સરકારી પ્રાણીપ્રેમી સંસ્થા ડૉગીને રેસ્ક્યુ સેન્ટર લઈ ગઈ, પણ ત્યાં ડૉગી મૃત્યુ પામ્યો. ડૉગીની કાળજી બરાબર ન રાખી હોવા બદલ એની માલિકણને બે મહિનાની જેલની સજા થઈ.
નીરજ ચોપડા જો ગોલ્ડ મેડલ જીતશે તો...
ઑનલાઇન વીઝા ઍપ્લિકેશન સર્વિસ પ્રોવાઇડર કંપની ઍટલિસના CEO મોહક નાહટાએ જાહેરાત કરી છે કે પૅરિસ ઑલિમ્પિક્સમાં આઠમી ઑગસ્ટે નીરજ ચોપડા જો ગોલ્ડ મેડલ જીતશે તો તેના દરેક મેમ્બરને એક દિવસ માટેના કોઈ પણ દેશના વીઝા ફ્રીમાં આપશે.