21 September, 2026 05:33 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
જપાનના બૉડીબિલ્ડર તોશિસુકે કાનાઝાવા
આજના સમયમાં કેટલાક લોકો ૬૦ વર્ષે વૃદ્ધાવસ્થાના બહાના હેઠળ આરામની જિંદગી સ્વીકારી લેતા હોય છે ત્યારે જપાનના એક દાદાએ એવું પરાક્રમ કરી બતાવ્યું છે જેને જોઈને જિમમાં જતી યુવા પેઢી પણ આંગળાં કરડી ખાય.
૯૦ વર્ષની પાકટ વયે જપાનના બૉડીબિલ્ડર તોશિસુકે કાનાઝાવાએ ઑલ જપાન માસ્ટર્સ ફિટનેસ ચૅમ્પિયનશિપ જીતીને પોતાના નામે ૧૯મું નૅશનલ ટાઇટલ કરી લીધું છે.
તોશિસુકે કાનાઝાવાએ ૮૫ વર્ષ અને એથી વધુ વયજૂથની કૅટેગરીમાં ભાગ લઈને આ ટ્રોફી પોતાના નામે કરી છે અને સાબિત કરી દીધું છે કે ફિટનેસ માટે ઉંમર ક્યારેય કોઈ અવરોધ બની શકતી નથી.
યુવાનવયે બૉડીબિલ્ડિંગ શરૂ કરનારા તોશિસુકે કાનાઝાવાએ ૩૪ વર્ષની ઉંમરે સ્પર્ધાઓ છોડી દીધી હતી, પરંતુ તેમની પત્ની બીમાર રહેતી હતી અને તેમને સ્ટેજ પર કસરત કરતા જોઈને રાજી થતી હોવાથી પત્નીની ખુશી માટે તેમણે ૫૦ વર્ષની ઉંમરે ફરી સ્પર્ધામાં વાપસી કરી હતી.
પત્નીના અવસાન પછી પણ તેઓ અટક્યા નહીં. તોશિસુકે કાનાઝાવા કહે છે કે સ્ટેજ પર મારું નામ જાહેર થાય છે ત્યારે મને એવું લાગે છે કે મારી પત્ની સ્વર્ગમાંથી મને જોઈ રહી છે અને આ જ વિચાર મને ૧૯મી વાર ચૅમ્પિયન બનવા માટે હિંમત આપતો રહ્યો.