હવે ATMમાંથી ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની નોટો અને ૫૦૦ રૂપિયાના છુટ્ટા પણ મળશે

28 January, 2026 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્ધશહેરી વિસ્તારોમાં ડિજિટલ ચુકવણી માટે સ્થિર ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે જે હંમેશાં ઉપલબ્ધ હોતું નથી

પ્રતીકાત્મક તસવીર

ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી હાલમાં ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો મળે છે, પણ સરકાર હવે ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની નોટો પણ મળે એ માટે નવાં હાઇબ્રિડ ATM સ્થાપવાની યોજના બનાવી રહી છે. આવા ATMમાં નાની નોટો નીકળશે. આ ઉપરાંત ૫૦૦ રૂપિયાના છુટ્ટા પણ મળશે. આમ છૂટા પૈસા લેવા માટે અહીંતહીં ભટકવું નહીં પડે.

ગામડાંઓમાં જ્યાં હજી પણ દૈનિક વ્યવહારો માટે રોકડ પર આધાર રાખવામાં આવે છે ત્યાં ભારત સરકાર નાની નોટોની ઉપલબ્ધતા સુધારવાના રસ્તાઓ પર વિચાર કરી રહી છે. દૈનિક વેતન-મજૂરો, સ્ટ્રીટ-વેન્ડર્સ, નાના દુકાનદારો અને મુસાફરો ઘણી વાર દૈનિક ખરીદી અને મુસાફરી માટે રોકડ પર આધાર રાખે છે. આ વિશે મુંબઈમાં પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે પરીક્ષણ ચાલી રહ્યું છે. 

અર્ધશહેરી વિસ્તારોમાં ડિજિટલ ચુકવણી માટે સ્થિર ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે જે હંમેશાં ઉપલબ્ધ હોતું નથી. આથી સ્થાનિક બજારો, રેલવે-સ્ટેશનો, બસડેપો, હૉસ્પિટલો અને સરકારી કચેરીઓ પાસે આવાં સ્થળોએ ATM મશીનો સ્થાપવામાં આવશે. એક વાર મંજૂરી મળ્યા પછી આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. હાઇબ્રિડ ATM પરિવહન કેન્દ્રો, બજારો, હૉસ્પિટલો અને સરકારી કચેરીઓ જેવાં ઉચ્ચ ટ્રાફિકવાળાં સ્થળોએ સ્થાપવામાં આવશે.

national news india reserve bank of india