20 December, 2022 12:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી : ગુજરાત વિધાનસભાના મળેલા મતોને કારણે આમ આદમી પાર્ટી (આપ)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી ગયો. જોકે આપને ગુજરાતમાં વધુ સારા પ્રદર્શનની આશા હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં પાંચ સીટ જીતવી એટલી જ મુશ્કેલ હતી જેટલું બળદમાંથી દૂધ કાઢવું. આ વાત તેમણે દિલ્હીમાં આપની રાષ્ટ્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે કહી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું કે એક વર્ષમાં અમે પંજાબ જીત્યું, દિલ્હી નગર નિગમ (એમસીડી)ની ચૂંટણીઓ પણ જીતી. ગોવામાં બે વિધાનસભ્યો અને ગુજરાતમાં ૧૪ ટકા મત સાથે ૫ વિધાનસભ્યો અમારી પાર્ટીના છે.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મળેલી સફળતાના સંદર્ભમાં કહ્યું હતું કે ‘એક વ્યક્તિએ કહ્યું કે ગાયમાંથી દૂધ તો બધા કાઢી શકે, પરંતુ અમે બળદમાંથી દૂધ કાઢ્યું. ૨૦૨૭માં ગુજરાતમાં અમારી સરકાર બનશે.’ આપને રાષ્ટ્રીય પક્ષનો દરજજો મળ્યા બાદ રવિવારે પહેલી વખત આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ હતી. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ મૂકતા કહ્યું હતું કે ચીનનો સામાન કોણ ખરીદી રહ્યું છે? બીજેપીની ચીન પાસે સામાન ખરીદવા પાછળ કઈ મજબૂરી છે? શું આપણે આપણા સ્વદેશી ઉત્પાદનને વધારી ન શકીએ. આપણે એ જ સામાન ચીનથી ખરીદવો જોઈએ જે સામાનનું ઉત્પાદન આપણા દેશમાં ન કરી શકીએ.