✕

દવાઓની MRP અને રીટેલરોની ખરીદકિંમત વચ્ચે મોટો તફાવત કેમ?

28 October, 2026 07:06 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે સરકારની નીતિઓ સામે ઉઠાવ્યા આકરા સવાલો

પ્રતીકાત્મક તસવીર

દવાઓની મૅક્સિમમ રીટેલ પ્રાઇસ (MRP) અને રીટેલર્સની ખરીદકિંમત વચ્ચેના મોટા તફાવત વિશે મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઊધડો લીધો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે દવાઓની કિંમત નક્કી કરવાની સરકારી નીતિઓ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે આ સિસ્ટમ માત્ર ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોની તરફેણ કરતી કેમ દેખાય છે? આ બધું સરકારની આંખ સામે જ થઈ રહ્યું છે ત્યારે શું આ પ્રથા ચાલુ રહેવા દેવાય? 

કોર્ટે દવાઓના ભાવનું નિયમન કરતી સંસ્થા નૅશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (NPPA)ને સાવ નિષ્ક્રિય ગણાવી હતી. સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલાં ઍડિશનલ સૉલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ બચાવ કરતાં જણાવ્યું હતું કે સરકારની નીતિ સમગ્ર ઇકોસિસ્ટમને નિયંત્રિત કરવાની નથી. તેમણે દલીલ કરી હતી કે ભારતમાં દવાઓના ભાવ વિશ્વમાં સૌથી ઓછા છે. અગાઉ ૧૨ ઑક્ટોબરે કોર્ટે કૅન્સરની દવાઓના ટ્રેડ-માર્જિનને MRPના ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાના કેન્દ્રના નિર્ણય વિશે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે સરકાર અન્ય દવાઓના ટ્રેડ-માર્જિન પર મર્યાદા કેમ નથી લગાવતી? સરકારે દાવો કર્યો હતો કે કૅન્સરની દવાઓ પર ૩૦ ટકાનું માર્જિન નક્કી કરવાથી દરદીઓની વાર્ષિક અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયાની બચત થશે.

national news india supreme court new delhi indian government medical information