તરબૂચે લીધો વધુ એક ભોગ! છત્તીસગઢમાં ૧૫ વર્ષના બાળકનું મોત

12 May, 2026 03:44 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

Watermelon Death in Chhattisgarh: છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લામાં તરબૂચ ખાધા બાદ ૧૫ વર્ષના કિશોરનું મોત અને ત્રણ બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાની ચોંકાવનારી ઘટના, ડૉક્ટરને ફૂડ પોઈઝનિંગની શંકા; આ મામલામાં વધુ તપાસ ચાલુ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મુંબઈ (Mumbai)ના પાયધૂની (Pydhonie)માં તાજેતરમાં થયેલા સામૂહિક મૃત્યુની હૃદયદ્રાવક ઘટનાના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં છત્તીસગઢ (Chhattisgarh)ના જાંજગીર-ચાંપા (Janjgir-Champa) જિલ્લામાં દૂષિત તરબૂચ ખાવાથી ૧૫ વર્ષના એક કિશોરનું મોત નીપજ્યું છે અને અન્ય ત્રણ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લામાં (Watermelon Death in Chhattisgarh) તરબૂચ ખાવાથી ૧૫ વર્ષના કિશોરનું મોત થયું છે અને ત્રણ બાળકો બીમાર પડ્યા છે. મૃતકની ઓળખ અખિલેશ ધીવર (૧૫) તરીકે થઈ છે, જ્યારે અન્ય બાળકો શ્રી ધીવર (૪), પિન્ટુ ધીવર (૧૨) અને હિતેશ ધીવર (૧૩) એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ ઘુરકોટ ગામમાં તેમના મામાના ઘરે આવ્યા હતા.

પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે બાળકોએ રવિવારે સાંજે કાપેલું તરબૂચ ખાધું હતું, જોકે, તેના થોડા કલાકો પછી ૧૫ વર્ષના અખિલેશને ઉલટી, ઝાડા થયા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. માત્ર તેને જ નહીં, પરંતુ બાદમાં અન્ય ત્રણ બાળકોમાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા હતા. જેમ જેમ તેમની હાલત બગડતી ગઈ, તેમ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ કેસ અંગે વાત કરતા સિવિલ સર્જન ડૉ. એસ. કુજૂરે દૈનિક સમાચાર પત્રને જણાવ્યું હતું કે, અખિલેશને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણ બાળકોને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડૉક્ટરને ફૂડ પોઈઝનિંગની શંકા

ડૉક્ટરે ફૂડ પોઈઝનિંગની શંકા વ્યક્ત કરી છે, જે સંભવતઃ દૂષિત કાપેલા તરબૂચને કારણે હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ફળ સવારના સમયે કાપવામાં આવ્યું હતું અને તેના કલાકો પછી તેને ખાવામાં આવ્યું હતું.

વધુ તપાસ ચાલુ છે

હાલમાં આ કેસમાં, ૧૫ વર્ષીય મૃતક અખિલેશના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને ફોરેન્સિક પૃથ્થકરણ માટે વિસેરા (Viscera) નમૂનાઓ સાચવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘરમાં રહેલા અન્ય એક તરબૂચને પણ લેબોરેટરી ટેસ્ટિંગ માટે ફૂડ સેફ્ટી વિભાગમાં મોકલવામાં આવ્યું છે.

અહેવાલોમાં વધુમાં જણાવાયું છે કે મૃત્યુ અને માંદગીનું ચોક્કસ કારણ આ રિપોર્ટ્સ આવ્યા બાદ જ જાણી શકાશે.

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક અને ફૂડ સેફ્ટી રિપોર્ટ્સ મળ્યા બાદ જ મૃત્યુ અને બીમારીનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

નોંધનીય છે કે, એપ્રિલમાં આવી જ એક સમાન ઘટના મુંબઈમાં બની હતી, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોના તરબૂચ ખાધા બાદ મોત થયા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી છે કે મૃતકોના વિસેરા (લિવર, કિડની, બરોળ), પેટમાં રહેલો ખોરાક, પિત્ત (bile) અને પેટની ચરબીના નમૂનાઓમાં ઝિંક ફોસ્ફાઈડ (Zinc Phosphide) ની હાજરી મળી આવી છે. ઝિંક ફોસ્ફાઈડ એ અત્યંત ઝેરી રોડેન્ટિસાઈડ (ઉંદર મારવાની દવા) છે. આ કેમિકલ શરીરમાં ગયા બાદ જીવલેણ સાબિત થઈ શકે છે, જે આ કિસ્સામાં પરિવારના સામૂહિક મૃત્યુનું કારણ બન્યું હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.

chhattisgarh food and drug administration national news news