મંગળવારથી દેશભરમાં વક્ફનો નવોકાયદો અમલમાં આવી ગયો

09 April, 2025 11:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટમાં એની વિરુદ્ધમાં દસથી વધારે અરજી

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વિરોધ હિંસક બન્યો

વક્ફ સંશોધન બિલ હવે કાયદો બની ગયો છે અને મંગળવારથી (આઠમી એપ્રિલ) દેશભરમાં લાગુ કરી દેવાયો છે. કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને આ બિલનું અમલીકરણ કરી દીધું છે. ગયા અઠવાડિયે સંસદ અને રાષ્ટ્રપતિએ એને મંજૂરી આપી દીધી હતી. આ સંદર્ભમાં ગૅઝેટ જાહેર થતાં ‘વકફ ઍક્ટ, 1995’નું નામ બદલીને ‘યુનિફાઇડ વક્ફ મૅનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશ્યન્સી અૅન્ડ ડેવલપમેન્ટ (UMEED) ઍક્ટ, 1995’ કરવામાં આવ્યું છે.

વક્ફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કુલ દસથી વધારે અરજી દાખલ કરવામાં આવી છે જેમાં રાજનેતા, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને જમિયત ઉલમા-એ-હિન્દની અરજી સામેલ છે. આ અરજીમાં નવા બનાવવામાં આવેલા કાયદાની બંધારણીયતાને પડકારવામાં આવી છે. આ વિશે વહેલી તકે સુનાવણી હાથ ધરવાની માગણી કરવામાં આવી છે. વક્ફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા માટે કોર્ટે સંમતિ આપી છે. જોકે સુનાવણી માટે હજી સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વિરોધ હિંસક બન્યો

એક તરફ વક્ફ કાયદો લાગુ થઈ ચૂક્યો છે ત્યારે બીજી તરફ એની વિરુદ્ધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ઉગ્ર વિરોધ-પ્રદર્શન થયું હતું. આ દરમ્યાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જંગીપુર વિસ્તારમાં આયોજિત વિરોધ-પ્રદર્શને હિંસક રૂપ લીધું હતું. મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઊતરીને વક્ફ બિલ સામે નારાબાજી કરીને પ્રદર્શન કર્યું હતું.

સ્થિતિ વણસી જતાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ચક્કાજામ કરવા લાગ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો અથડામણ શરૂ થઈ ગઈ હતી. જોતજોતાંમાં સ્થિતિ એટલી બગડી ગઈ કે પ્રદર્શનકારીઓએ પોલીસનાં વાહનોમાં આગ ચાંપી દીધી હતી, અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસને ટિયરગૅસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો.

waqf amendment bill supreme court religion national news news political news