13 May, 2026 03:01 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
તમિલનાડુ (Tamil Nadu) વિધાનસભાની ફ્લોર ટેસ્ટની અગ્નિપરીક્ષામાં વિજય થલાપતિ (`Thalapathy` Vijay) પાસ થયા છે. વિજય સરકારને ફ્લોર ટેસ્ટમાં 144 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષોએ ફ્લોર ટેસ્ટના મતદાન પહેલા જ સદનમાંથી વોકઆઉટ કર્યો હતો. આ સાથે જ ટીવીકે (TVK) ના નેતૃત્વવાળી ગઠબંધન સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવી લીધો છે.
234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં ટીવીકે ગઠબંધન સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું હતું, પરંતુ તેની પાસે પોતાની દમ પર બહુમતીનો આંકડો નહોતો. કોંગ્રેસ, CPI, CPI (M), VCK, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) અને કેટલાક અપક્ષ તેમજ નાના પક્ષોના સમર્થનથી વિજયે સરકાર બનાવી હતી. ફ્લોર ટેસ્ટ દરમિયાન આ ગઠબંધનને કુલ 144 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે.
વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ મુખ્યમંત્રી વિજયે વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષના સાથી પક્ષોએ સરકારના સમર્થનમાં પોતાની વાત રજૂ કરી હતી, જ્યારે વિરોધ પક્ષે વિવિધ મુદ્દાઓને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. જોકે, મતદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ મુખ્ય વિરોધ પક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
ટીવીકે (TVK) પાસે ૧૦૫ ધારાસભ્યો હતા, પરંતુ ત્રણ બેઠકોના ઘટાડાને કારણે આ સંખ્યામાં ફેરફાર થયો હતો. પ્રથમ બેઠક સ્પીકરના પદ માટે ગુમાવવી પડી હતી, કારણ કે સ્પીકર સામાન્ય રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લેતા નથી. બીજી બેઠકનો ઘટાડો વિજયના રાજીનામાને કારણે થયો હતો, જેમણે પોતે જીતેલી બે બેઠકોમાંથી એક બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. ત્રીજી બેઠક તિરુપત્તુરના ધારાસભ્ય શ્રીનિવાસ સેથુપતિ આરની હતી, જેમની માત્ર એક મતના અંતરથી મળેલી જીતને કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ ફેરફારો છતાં, અન્ય પક્ષો અને અપક્ષોના ટેકા સાથે વિજય સરકારે ૧૪૪ મતો મેળવીને વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી દીધી છે.
તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) વિધાનસભા ચૂંટણીમાં ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતીના આંકડાથી તે ૧૦ બેઠકો દૂર રહી ગઈ હતી. વિજયે બે વિધાનસભા બેઠકો પરથી જીત મેળવી છે, તેથી તેમણે એક બેઠક ખાલી કરવી પડશે જેના કારણે ટીવીકેની બેઠકોની સંખ્યા ઘટીને ૧૦૭ થઈ ગઈ છે. ટીવીકેના સહયોગી પક્ષોમાં કોંગ્રેસના ૫ ધારાસભ્યો અને સીપીઆઈ, સીપીઆઈ(એમ), વીસીકે તેમજ આઈયુએમએલના ૨-૨ ધારાસભ્યો સામેલ છે. આ તમામ પક્ષોને જોડતા વિધાનસભામાં ગઠબંધનની કુલ સંખ્યા ૧૨૦ સુધી પહોંચી ગઈ છે. જોકે, વિજયની પાર્ટીને ફ્લોર ટેસ્ટ દરમિયાન કુલ ૧૪૪ ધારાસભ્યોએ પોતાનું સમર્થન આપ્યું છે.