22 November, 2026 11:04 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથે ગઈ કાલે તેમનાં માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી અને હરિદ્વારના ચંડી ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે તેમનાં માતા સાવિત્રી દેવીના પાર્થિવ દેહને કાંધ આપી હતી. ૯૧ વર્ષનાં સાવિત્રી દેવીએ શુક્રવારે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ સ્થિત તેમના પૈતૃક ગામ પંચુરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. ભાવુક જણાતા મુખ્ય પ્રધાને માતાને વિદાય આપતી વખતે તેમના ફોટો પર પુષ્પહાર અર્પણ કરીને અંતિમ શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ મુદ્દે સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં યોગી આદિત્યનાથે લખ્યું હતું, ‘માતાની છાયા જેવી બીજી કોઈ છાયા નથી, માતાના આશ્રય જેવો બીજો કોઈ આશ્રય નથી, માતાના રક્ષણ જેવું બીજું કોઈ રક્ષણ નથી અને માતાના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી.’