09 June, 2024 06:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ ભવન
નરેન્દ્ર મોદી આજે સાંજે ૭.૧૫ વાગ્યે ભારતના વડા પ્રધાન તરીકે ત્રીજી વાર રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવાના છે ત્યારે આ સમારોહ માટેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા આ સમારોહમાં દેશ-વિદેશના ઘણા આમંત્રિતો ઉપસ્થિત રહેશે. વિદેશથી ઘણા મહેમાનો આ સમારોહમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે.
ગઈ કાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાંથી કેટલાંક વિઝ્યુઅલ્સ રિલીઝ કરવામાં આવ્યાં હતાં જે દર્શાવે છે કે જ્યાં શપથવિધિ સમારોહ યોજાશે એ પરિસરમાં સિક્યૉરિટી અધિકારીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે; વિવિધ વર્કર્સ આમંત્રિતોને બેસવા માટે ખુરસી ગોઠવી રહ્યા છે અને લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે; પોર્ટેબલ ઍર-કન્ડિશનર્સ, કૂલર્સ અને પંખા પણ ગોઠવવામાં આવી રહ્યાં છે.
આજે નરેન્દ્ર મોદી અને તેમની કૅબિનેટના શપથવિધિ સમારોહ માટે દિલ્હી પોલીસે નૅશનલ કૅપિટલ
રીજનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને જાપ્તો પણ વધારી દેવામાં આવ્યો છે. સલામતી માટે વિવિધ સ્તરની સિક્યૉરિટી ગોઠવવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનની આસપાસ પૅરા મિલિટરી ફોર્સની પાંચ કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. આ પરિસરની આસપાસ નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (NSG)ના કમાન્ડો, ડ્રોન્સ અને સ્નાઇપર્સ પણ અલર્ટ રહેશે. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG), રાષ્ટ્રપતિના સુરક્ષાગાર્ડ, ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP), ગુપ્તચર વિભાગની ટીમો અને NSGના બ્લૅક કૅટ કમાન્ડો પણ સુરક્ષા-વ્યવસ્થામાં તહેનાત રહેશે.
દિલ્હી પોલીસે ૯ અને ૧૦ જૂને રાજધાની દિલ્હીમાં નો ફ્લાય ઝોન જાહેર કર્યો છે. ડ્રોન ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. G20 વખતે રાખવામાં આવી હતી એવી જ સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બહુમાળી બિલ્ડિંગોમાં ઍન્ટિ ડ્રોન સિસ્ટમ તહેનાત કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ગોપનીયતાના શપથ લેવડાવશે
નરેન્દ્ર મોદી અને તેમની કૅબિનેટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગોપનીયતાના શપથ લેવડાવશે. સત્તાધારી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર વિજયી રહ્યું છે અને એને ૨૯૩ બેઠકો પર વિજય મળ્યો છે. ૨૪૦ બેઠકો સાથે BJP આ ગઠબંધનમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઊભરી આવી છે. કૉન્ગ્રેસને ૯૯ બેઠકો મળી છે.
કોણ-કોણ હાજર રહેશે?
શપથવિધિમાં આવનારા નેતાઓમાં શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે, મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુ, બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના, ભુતાનના વડા પ્રધાન શેરિંગ ટોબ્ગે, નેપાલના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથનો સમાવેશ છે. તેમણે શપથવિધિમાં હાજર રહેવા માટે મોકલવામાં આવેલું આમંત્રણ સ્વીકાર્યું છે અને ઉપસ્થિત રહેવાની ખાતરી આપી છે. શપથવિધિ સમારોહ યોજાયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં યોજવામાં આવેલા બૅન્ક્વેટમાં આમંત્રિતોને ભાગ લેવાનું પણ આમંત્રણ છે.