03 March, 2025 07:06 AM IST | Noida | Gujarati Mid-day Correspondent
નોએડા ફિલ્મસિટી
ઉત્તર પ્રદેશના નોએડામાં યમુના એક્સપ્રેસવે પાસે સેક્ટર ૨૧માં નોએડા ફિલ્મસિટી તૈયાર કરવામાં આવશે અને એમાં એક એવો ૐ બનાવવામાં આવશે જે આકાશમાંથી પણ સ્પષ્ટ નજરે પડશે. નોએડામાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ તૈયાર થાય એ પહેલાં જ ૨૩૦ એકર જમીનમાં નોએડા ફિલ્મસિટીનું કામકાજ શરૂ થઈ જશે. ફિલ્મનિર્માતા બોની કપૂર અને ભુટાની ગ્રુપની બેવ્યુ ભુટાની ઇન્ટરનૅશનલ ફિલ્મસિટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરશે. આગામી ત્રણ વર્ષમાં આ ફિલ્મસિટીમાં ફિલ્મો બનવાનું શરૂ થઈ જશે. આઠ વર્ષમાં આખી ફિલ્મસિટી તૈયાર થઈ જશે.
ફિલ્મસિટીમાં ૐ આકાર આકર્ષણનું કેન્દ્ર બનશે જે દેશના આધ્યાત્મિક વારસાના જતન સાથે શાંતિ અને મેડિટેશનને પ્રોત્સાહન આપશે. આ ફિલ્મસિટીને દુનિયાની સૌથી સારી ફિલ્મસિટી બનાવવા માટે મલેશિયાની જેમ અંદર સિગ્નેચર ટાવર તૈયાર કરવામાં આવશે.
આ ફિલ્મસિટીમાં સ્ટુડિયો સાથે હોટેલ, મૉલ્સ, કમર્શિયલ કૉમ્પ્લેક્સ અને કલાકારો માટે રહેવાસી સંકુલ બાંધવામાં આવશે.