29 April, 2023 01:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હાર્દિક પટેલ
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર આંદોલન દરમ્યાન હિંસાના સંબંધમાં બીજેપીના લીડર હાર્દિક પટેલની વિરુદ્ધના કેસમાં તેમને ગઈ કાલે જામીન આપ્યા હતા. જોકે આ જામીન તપાસમાં ‘ખંતપૂર્વક સહકાર’ને આધીન છે. જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ કેસમાં સુનાવણી કરી હતી.
બેન્ચે જણાવ્યું હતું કે ‘આ અદાલતે ફેબ્રુઆરી ૨૦૨૦માં નોટિસ ઇશ્યુ કરી હતી અને વચગાળાનું પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું. ત્યારથી સાડાત્રણ વર્ષ પસાર થઈ ગયાં છે. આ સંજંગોમાં અમને આ તબક્કે આદેશમાં ફેરફાર કરવા માટે કોઈ કારણ જણાતું નથી. એટલા માટે અરજી કરનારને વધુ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી વચગાળાનું પ્રોટેક્શન રહેશે. જોકે એ તપાસમાં તેઓ ખંતપૂર્વક સહકાર આપે છે કે નહીં એને આધીન છે.’ સુપ્રીમ કોર્ટ હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવતાં ગુજરાત હાઈ કોર્ટના આદેશને પડકારતી તેમની અરજી પર સુનાવણી કરી રહી હતી.