ફાંસીના ડરથી ફફડતા આતંકવાદી યાસીન મલિકે પાકિસ્તાની પત્નીને જેલમાંથી તલાક આપ્યા

04 September, 2026 11:31 AM IST  |  Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

પત્નીને નવો સંસાર શરૂ કરવાની અપીલ કરીને કહ્યું કે તે વિધવા જેવું જીવન જીવે એવું હું નથી ઇચ્છતો

યાસીન મલિકે પાકિસ્તાનમાં રહેતી પોતાની પત્ની મુશાલ મલિકથી અલગ થવાનો નિર્ણય લીધો

તિહાડ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના આતંકી યાસીન મલિકે પાકિસ્તાનમાં રહેતી પોતાની પત્ની મુશાલ મલિકથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ફાંસીના ડરથી ફફડતા યાસીન મલિકે શ્રીનગરની ટાડા કોર્ટમાં ૨૫ પાનાંનું અત્યંત અંગત સોગંદનામું દાખલ કરીને પત્નીને નવો સંસાર શરૂ કરવા અપીલ કરી હતી. છેલ્લાં ૮ વર્ષથી બન્ને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

યાસીન મલિકે પોતાના સોગંદનામામાં લખ્યું છે કે મુશાલ તેનાથી ૨૦ વર્ષ નાની છે અને તે તેને આખી જિંદગી વિધવા જેવું જીવન જીવવા દેવા માગતો નથી. મલિકે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ફાંસીના માંચડે ચડતાં પહેલાં તે મુશાલને નિકાહના બંધનમાંથી મુક્ત કરવા માગે છે, જેથી તે સન્માન અને આશા સાથે જિંદગીનું નવું ચૅપ્ટર શરૂ કરી શકે.

ટેરર-ફન્ડિંગ કેસમાં સજા કાપી રહેલા યાસીન મલિક પર ૧૯૯૦માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ અને ઍરફોર્સના જવાનોની હત્યાના ગંભીર આરોપો પણ છે. જોકે તેણે સરલા ભટની હત્યામાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કરીને તેને એક કાવતરું ગણાવ્યું છે. સોગંદનામામાં તેણે પોતાની ૧૩ વર્ષની દીકરી રઝિયા સુલતાના અને મમ્મી માટે પણ સંદેશ આપ્યો છે. મલિક અને મુશાલની મુલાકાત ૨૦૦૫માં પાકિસ્તાનમાં થઈ હતી અને ૨૦૦૯માં તેમના નિકાહ થયા હતા.

national news india tihar jail anti terrorism squad jammu and kashmir