27 August, 2024 02:30 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
કન્વેન્શન-સેન્ટર
તેલંગણના હૈદરાબાદમાં ઍક્ટર નાગાર્જુન અક્કિનેનીની માલિકી ધરાવતા કન્વેન્શન-સેન્ટર પર બુલડોઝર ચલાવી દેવાની ઘટનાને મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ યોગ્ય ગણાવી હતી અને કહ્યું હતું કે મને ભગવદ્ગીતામાંથી આની પ્રેરણા મળી હતી.
ગઈ કાલે હરે કૃષ્ણ મૂવમેન્ટના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રેવંત રેડ્ડીએ કન્વેન્શન-સેન્ટરને તોડી નાખવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં ભગવદ્ગીતાના સારની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ભગવાન શ્રીકૃષ્ણની ટીચિંગ્સને અનુરૂપ આ પગલું હતું. ભગવદ્ગીતા ગેરકાયદે બાંધકામો તોડવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રીકૃષ્ણએ શીખવ્યું છે કે લોકોની ભલાઈ માટે અને અધર્મને હરાવવા માટે ધર્મનું પાલન કરવું જોઈએ. ભલે એના માટે મિત્રો સામે જ યુદ્ધ કરવું પડે. સરોવરોનું સંરક્ષણ કરવા માટે હું આ તોડકામની કાર્યવાહી કરી રહ્યો છું. આનાથી ઘણા લોકો નારાજ થશે, મારી સરકારને એની પ્રતિકૂળ અસર પડશે. હૈદરાબાદને ચેન્નઈ, વાયનાડ કે ઉત્તરાખંડ બનતું રોકવા માટે એની સુરક્ષા કરવી જરૂરી છે, એ અમારું કર્તવ્ય છે. અમારી સરકાર સરોવરોની જમીન પર અતિક્રમણ કરનારી એક પણ વ્યક્તિને નહીં છોડે, ભલે તે ગમે એટલી પ્રભાવશાળી કેમ ન હોય.’
તેલંગણની કૉન્ગ્રેસ સરકારે સરોવરોની આસપાસ ગેરકાયદે બાંધકામ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. હૈદરાબાદ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ઍન્ડ ઍસેટ્સ મૉનિટરિંગ ઍન્ડ પ્રોટેક્શને સરોવરોની આસપાસ ઊભા થયેલા ગેરકાયદે બાંધકામને તોડવાનું શરૂ કરી દીધું છે.
નાગાર્જુને કન્વેન્શન-સેન્ટર પર બુલડોઝર ચલાવવાની ઘટનાની આકરી નિંદા કરી હતી અને જણાવ્યું હતું આ ગેરકાનૂની પગલું છે. જો કોર્ટે કન્વેન્શન-સેન્ટરને ગેરકાયદે જાહેર કર્યું હોત તો મેં જાતે જ એને તોડી નાખ્યું હોત.’