તામિલનાડુમાં મોટો અપસેટ

05 May, 2026 11:18 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

ઍક્ટર વિજયની નવીસવી પાર્ટી ૧૦૬ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી, DMKને ૭૩ અને AIADMKને ૫૩ બેઠકો

ચેન્નઈમાં પેરામ્બુર બેઠક પરથી જીત મેળવ્યા પછી TVK ચીફ વિજયે સમર્થકોને સૅલ્યુટ કરી હતી.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તામિલનાડુમાં મોટો ઊલટફેર જોવા મળ્યો છે. ઍક્ટર જોસેફ વિજય ચંદ્રશેખરની માત્ર બે વર્ષ જૂની તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે. એણે ૧૦૬ બેઠકો જીતી લીધી છે. ૨૩૪ બેઠકો ધરાવતી વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૧૧૮ બેઠકો પર જીત જરૂરી છે. વિજયના પિતા ચંદ્રશેખરે કહ્યું હતું કે જો કૉન્ગ્રેસ ઇચ્છે તો એ TVK સાથે ગઠબંધન કરી શકે છે. કૉન્ગ્રેસ પાર્ટીને ૩ બેઠકો પર જીત મળી છે અને બે બેઠકો પર આગળ છે. મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિનની DMKને ૭૩ બેઠકો મળી છે અને ૧ બેઠક પર આગળ છે. AIADMKને ૫૩ બેઠકો મળી છે. AIADMKના ચીફ પલાનીસ્વામીએ ૯૮,૧૧૦ મતોના રેકૉર્ડ માર્જિનથી ઇડાપ્પડી બેઠક જીતી હતી.

TVK ચીફ વિજયે ૫૩,૭૧૫ મતના માર્જિનથી પેરામ્બુર સીટ જીતી

તામિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી રહેલી TVKના ચીફ વિજયે ૫૩,૭૧૫ મતના માર્જિનથી પેરામ્બુર બેઠક જીતી હતી. તેને ૧,૨૦,૩૬૫ મત મળ્યા હતા, જ્યારે DMKના આર. ડી. શેખરને ૬૬,૬૫૦ મત મળ્યા હતા.

વિજયના ડ્રાઇવરનો પુત્ર ચૂંટણી જીત્યો

TVK ચીફ વિજયના ડ્રાઇવર રાજેન્દ્રનનો પુત્ર આર. સબરીનાથન પણ ૨૭,૦૮૬ મતથી ચૂંટણી જીતી ગયો હતો. તેણે TVKની ટિકિટ પર વિરુગમ્બક્કમ બેઠક જીતી લીધી હતી. તેને ૭૬,૦૯૨ મત મળ્યા હતા અને DMKના ઉમેદવાર પ્રભાકર રાજાને ૪૯,૦૦૬ મત મળ્યા હતા.

સ્ટૅલિને શું કહ્યું?

તામિલનાડુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો TVKની તરફેણમાં આવ્યા બાદ DMKના પ્રમુખ અને મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને કહ્યું હતું કે હું લોકોના નિર્ણયને નમન કરું છું.

વડા પ્રધાને TVKને આપ્યાં અભિનંદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટમાં લખ્યું હતું કે ‘તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં NDAને ટેકો આપવા બદલ તામિલનાડુના મતદારોનો આભાર. લોકોની સમસ્યાઓના નિરાકરણ અને તેમના જીવનને સુધારવામાં અમે હંમેશાં મોખરે રહીશું. TVKને તેમના ઉત્તમ કાર્ય માટે અભિનંદન. કેન્દ્ર તામિલનાડુની પ્રગતિ અને લોકોની સુખાકારી માટે કોઈ કસર છોડશે નહીં.’

તામિલનાડુ વિધાનસભાનું પાર્ટીવાઇઝ રિઝલ્ટ 

TVK    ૧૦૬
DMK+    ૭૩
AIADMK+    ૫૩
કુલ     ૨૩૨
(છેલ્લે ૧-૧ બેઠક પર DMK+ અને TVK લીડ ધરાવતી હતી, પણ રિઝલ્ટ જાહેર નહોતું થયું.)

national news india tamil nadu political news south india chennai