દેશવિરોધી ટ્વીટ સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ

13 February, 2021 03:49 PM IST  |  New Delhi | Gujarati Mid day Correspondent

દેશવિરોધી ટ્વીટ સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ

પ્રતીકાત્મક તસવીર

બોગસ અકાઉન્ટ્સ દ્વારા ખોટા સમાચાર, અફવા અને ઉશ્કેરણીજનક બાબતોના પ્રચાર-પ્રસાર પર નિયંત્રણ માટે માળખું રચવાની જરૂરિયાત બાબતે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને નોટિસ મોકલી છે. બીજેપીના નેતા વીનિત ગોએન્કાએ અૅડ્વોકેટ અશ્વિની દુબે દ્વારા કરેલી અરજીમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સમાજના વિવિધ વર્ગો વચ્ચે વેરઝેર ફેલાવવાની દાનતથી પોસ્ટ કરવામાં આવતી વિગતો પર નિગરાની અને નિયંત્રણ માટે માળખું રચવાની માગણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ શરદ બોબડેના વડપણ હેઠળની બેન્ચે આ અરજીની સુનાવણી સોશ્યલ મીડિયા પર અંકુશની માગણી કરતી અન્ય અરજીઓની જોડે હાથ ધરવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકાર અને ટ્વિટરને નોટિસ મોકલી છે.

ટ‍્‌વિટરે ૯૦-૯૫ ટકા એકાઉન્ટ બંધ કર્યાં 

ટ‍્‌વિટર અને ભારત સરકાર વચ્ચે લગભગ પખવાડિયાથી ચાલતી મડાગાંઠને અંતે ટ‍્‌વિટરે આઇટી મંત્રાલય દ્વારા બે જુદી જુદી નોટિસમાં આપેલા આદેશાનુસાર માઇક્રોબ્લૉગિંગ પ્લૅટફૉર્મ પરથી ૯૦થી ૯૫ ટકા અકાઉન્ટ અટકાવ્યાં કે બંધ કરી દીધાં હોવાનું સરકારી સૂત્રો દ્વારા ગઈ કાલે જણાવાયું હતું. જેમના ટ‍્‌વિટર અકાઉન્ટ અટકાવવામાં આવ્યાં છે તેમાં રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પક્ષના નેતા સુખરામ સિંહ યાદવ સહિત આપ અને કૉન્ગ્રેસના અનેક રાજકારણીઓનો સમાવેશ થાય છે.

national news twitter