✕

દિવાળી બાદ 100 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 93 ભારતના, જોકે નવી દિલ્હી ટૉપ 10માં નથી

09 November, 2026 04:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ પ્રદૂષણ યાદીમાં ઉત્તર ભારતના શહેરોનો હિસ્સો સૌથી મોટો છે. હરિયાણાનું સિરસા ૬૧૨ના AQI સાથે ચોથા ક્રમે છે, જ્યારે ભિવાની ૫૪૮ના AQI સાથે પાંચમા સ્થાને છે. ઉત્તર પ્રદેશના બદાઉનમાં AQI ૪૮૯ નોંધાયો હતો, જ્યારે હિસાર (હરિયાણા)માં તે ૪૮૫ હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)

દિવાળી પછી ભારતના ઘણા શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ૮ નવેમ્બરે દિવાળીની ઉજવણી બાદ, વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત ૧૦૦ શહેરોની યાદીમાં ૯૩ ભારતીય શહેરો સામેલ થયા છે. આ માહિતી AQI.in દ્વારા ૯ નવેમ્બરે સવારે ૧૦:૦૫ વાગ્યે જાહેર કરવામાં આવેલા ડેટામાંથી સામે આવી છે, જે દર્શાવે છે કે આ યાદીમાં ભારતીય શહેરોની સંખ્યા અસાધારણ રીતે વધુ છે. રાજસ્થાનનું શ્રી ગંગાનગર ૮૬૮ના ઍર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સાથે વૈશ્વિક યાદીમાં મોખરે છે. પંજાબનું ફરીદકોટ ૮૪૨ના AQI સાથે બીજા ક્રમે છે, જ્યારે ભટિંડા ૭૯૭ના AQI સાથે ત્રીજા સ્થાને છે. આ તમામ શહેરોમાં પ્રદૂષણનું સ્તર "જોખમી" (hazardous) શ્રેણીમાં નોંધાયું હતું.

ઉત્તર ભારતના શહેરોને સૌથી વધુ અસર

આ પ્રદૂષણ યાદીમાં ઉત્તર ભારતના શહેરોનો હિસ્સો સૌથી મોટો છે. હરિયાણાનું સિરસા ૬૧૨ના AQI સાથે ચોથા ક્રમે છે, જ્યારે ભિવાની ૫૪૮ના AQI સાથે પાંચમા સ્થાને છે. ઉત્તર પ્રદેશના બદાઉનમાં AQI ૪૮૯ નોંધાયો હતો, જ્યારે હિસાર (હરિયાણા)માં તે ૪૮૫ હતો. પંજાબનું અમૃતસર ૪૫૧ના AQI સાથે આઠમા ક્રમે છે, ત્યારબાદ લાહોર (પાકિસ્તાન) ૪૪૬ના AQI સાથે નવમા સ્થાને છે. પ્રયાગરાજ પણ ૪૪૦ના AQI સાથે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત ૧૦૦ શહેરોમાં ટોચના ૧૦માં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત રોહતક, જૌનપુર, પટિયાલા અને બુલંદશહેર જેવા અન્ય શહેરો પણ સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ૩૮૦ના AQI (ઍર ક્વોલિટી ઇન્ડેક્સ) સાથે ૧૫મા ક્રમે રહી. લખનૌ ૩૪૪ના AQI સાથે ૨૦મા સ્થાને અને કાનપુર ૩૩૭ના AQI સાથે ૨૨મા ક્રમે રહ્યું. ગાઝિયાબાદમાં AQI ૩૩૧, ગ્રેટર નોઈડામાં ૩૨૭ અને નોઈડામાં ૩૦૭ નોંધાયો હતો. આ તમામ શહેરો પ્રદૂષણની `જોખમી` (hazardous) શ્રેણીમાં આવે છે.

અન્ય રાજ્યોમાં પણ પ્રદૂષણનું સ્તર વધ્યું

પ્રદૂષણની સમસ્યા માત્ર ઉત્તર ભારત પૂરતી મર્યાદિત રહી નથી; મધ્ય, પૂર્વ અને પશ્ચિમ ભારતના અનેક શહેરો પણ આ યાદીમાં સામેલ છે. ભોપાલમાં AQI ૨૮૪ અને પુણેમાં ૨૭૮ નોંધાયો હતો, જ્યારે પટનામાં આ આંકડો ૨૫૮ હતો. વારાણસીમાં AQI ૨૪૩ અને રાજકોટમાં ૨૪૨ હતો. નાસિકમાં AQI ૨૧૯ અને ભુવનેશ્વરમાં ૨૦૦ નોંધાયો હતો. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુરમાં AQI ૧૯૭, હાવડામાં ૧૮૭ અને કોલકાતામાં ૧૮૩ હતો.

આ યાદીમાં ભારત બહારના છ શહેરોનો પણ સમાવેશ થાય

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત ૧૦૦ શહેરોની યાદીમાં ભારત ઉપરાંત અન્ય છ દેશોના સ્થળો પણ સામેલ છે. તેમાં પાકિસ્તાનના લાહોર, પેશાવર અને ઇસ્લામાબાદ; યુકેના કિડબ્રુક અને કેટફોર્ડ; પોલૅન્ડનું મિએલેક; અને ઇન્ડોનેશિયાના સંપિતનો સમાવેશ થાય છે. જોકે, આ આંકડા ચોક્કસ સમયે નોંધાયેલા પ્રદૂષણના સ્તરને દર્શાવે છે. તે એ સાબિત કરતા નથી કે પ્રદૂષણમાં થયેલો વધારો માત્ર દિવાળીની ઉજવણીને કારણે જ થયો છે. તેમ છતાં, આ યાદીમાં ૯૩ ભારતીય શહેરોનું હોવું એ દેશના ઘણા ભાગોમાં હવાની ગુણવત્તાની ગંભીર સમસ્યા તરફ ઈશારો કરે છે.

air pollution air quality index new delhi rajasthan indian government diwali