‍BJPનું ઑપરેશન ટાઇગર : શિવસેના (UBT)ના કાર્યકરોનો ‍BJPમાં પ્રવેશ

25 May, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાશિમના જિલ્લા અધ્યક્ષ સહિત ૧૫૦ પદાધિકારીએ કમળ સ્વીકાર્યું

દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે

છેલ્લા થોડા દિવસથી એકનાથ શિંદેને શિવસેના (UBT)ના નેતાઓ મળતા હોવાની અને તે ‘ઑપરેશન ટાઇગર’ ચલાવતા હોવાની ચર્ચા ચાલતી હતી ત્યારે શિવસેના (UBT)ના વાશિમના જિલ્લા-અધ્યક્ષ સુરેશ માપારી સહિત અન્ય ૧૫૦ પદાધિકારીઓએ રવિવારે ‍ભારતીય જનતા પાર્ટી (BJP)માં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકીય વર્તુળોમાં શિવસેના (UBT)ના વિધાનસભ્યો કે પછી પદાધિકારીઓને ફોડીને પક્ષપલટો કરાવવાને ‘ઑપરેશન ટાઇગર’ તરીકે ઓળખવામાં આવે છે.

આ દરમ્યાન રવીન્દ્ર ચવાણે કહ્યું હતું કે મજૂરો અને ખેડૂતો માટે કામ કરતી BJPના નેતૃત્વ પર, દેવેન્દ્ર ફડણવીસ પર ભરોસો મૂકીને ઉદ્ધવ ઠાકરેના પક્ષના પદાધિકારીઓ BJPમાં જોડાયા છે અને તેમનો વિશ્વાસ કોઈ પણ પરિસ્થિતિમાં તૂટવા નહીં દેવાય.

આ તો ટ્રેલર છે, હજી પિક્ચર બાકી છે
BJPના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવાણની હાજરીમાં સુરેશ માપારી અને અન્ય પદાધિકારીઓ ઉપરાંત કાર્યકરોએ પણ BJPમાં પ્રવેશ કર્યો હતો. ભવિષ્યમાં વિપક્ષના વધુ પદાધિકારીઓ BJPમાં જોડાઈ શકે છે એવો સંકેત આપતાં રવીન્દ્ર ચવાણે જણાવ્યું હતું કે આ તો ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. 

BJP અને શિવસેના વચ્ચે રસ્સીખેંચ?

એક બાજુ વિધાન પરિષદની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના વચ્ચે રસ્સીખેંચ ચાલી રહી છે. જળગાવની વિધાન પરિષદની બેઠક માટે બન્ને પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એમાં વળી શિવસેનાના કિશોર પાટીલે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ બેઠક શિવસેનાને જ મળવી જોઈએ અને જો મહાયુતિમાં આ બેઠક શિવસેનાને ન મળવાની હોય તો અહીં મૈત્રીપૂર્ણ લડત થવી જોઈએ. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની દિલ્હીની મુલાકાત પણ આ જ સંદર્ભે હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ શિવસેનાના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે આગામી જિલ્લા-પરિષદની ચૂંટણીમાં યુતિ હોય કે ન હોય પણ શિવસૈનિકો ભગવો ફરકાવવા તૈયાર છે. આની જ બાંધણી કરવા માટે સંસદસભ્ય શ્રીકાંત શિંદેના દ્વારા શિવસૈનિકો સાથે સંવાદ સાધવા જ ‘શિવસંવાદ’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

mumbai news mumbai bhartiya janta party bjp bharatiya janata party shiv sena political news eknath shinde uddhav thackeray maharashtra political crisis