આતંકવાદીઓને શરણ આપતા દેશોની ટીકા કરવામાં સંકોચ ન કરવો જોઈએ

05 July, 2023 11:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની વર્ચ્યુઅલ સમિટમાં પાકિસ્તાન માટે આમ જણાવ્યું, ચીન માટે કહ્યું કે સભ્ય દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જરૂરી છે

ગઈ કાલે વિડિયો-કૉન્ફરન્સિંગથી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની સમિટને સંબોધતા પીએમ મોદી અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક જ મંચ પરથી આતંકવાદ મામલે પાકિસ્તાન અને બીજાની જમીન પર ખરાબ દૃષ્ટિ કરવાની ચીનની નીતિની ટીકા કરી હતી. આ મંચ હતો શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની વર્ચ્યુઅલ સમિટ. અહીં મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે આતંકવાદીઓને શરણ આપતા દેશોની ટીકા કરવામાં સંકોચ ન કરવો જોઈએ.
આ સમિટમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પણ ભાગ લીધો હતો. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાન અને ચીનને સ્પષ્ટ મેસેજ આપતા સંબોધનના કેટલાક અંશો

૧) આતંકવાદ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મુખ્ય ખતરો છે. આ પડકારનો સામનો કરવા માટે નિર્ણાયક કામગીરી જરૂરી છે. આતંકવાદ કોઈ પણ સ્વરૂપમાં હોય, કોઈ પણ અભિવ્યક્તિમાં હોય, આપણે એનો સાથે મળીને વિરોધ કરવા લડાઈ લડવી પડશે. 
૨) કેટલાક દેશો સરહદપાર આતંકવાદને પોતાની નીતિઓનાં ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ કરે છે અને આતંકવાદીઓને શરણ આપે છે. એસસીઓએ આવા દેશોની ટીકા કરવામાં કોઈ સંકોચ ન કરવો જોઈએ. આવા ગંભીર વિષયો પર બેવડા માપદંડો માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. 
૩) આતંકવાદીઓને મળી રહેલા ભંડોળને અટકાવવા માટે પણ આપણે પરસ્પર સહયોગ વધારવો જોઈએ. આપણા દેશોના યુવાનોના માનસમાં કટ્ટરતાનાં બીજ રોપવાના પ્રયાસોને અટકાવવા માટે પણ આપણે વધારે સક્રિય રીતે પગલાં લેવાં જોઈએ. 
૪) અફઘાનિસ્તાનની સ્થિતિની આપણા બધાના દેશો પર સીધી અસર થઈ છે. અફઘાનિસ્તાનને લઈને ભારતની ચિંતા અને અપેક્ષાઓ એસસીઓના મોટા ભાગના દેશોના સમાન જ છે. આપણે અફઘાનિસ્તાનના લોકોના કલ્યાણ માટે મળીને પ્રયાસ કરવા જોઈએ. 
૫) અફઘાનિસ્તાનના લોકોને માનવીય સહાય અને તમામ વર્ગોનો સમાવેશ થાય એવી સરકારની રચના, આતંકવાદ અને ડ્રગ્સના સ્મગલિંગની વિરુદ્ધની લડાઈ તેમ જ મહિલાઓ, બાળકો અને લઘુમતિઓને તેમના અધિકારો મળે એની ખાતરી કરવી આપણી સંયુક્ત પ્રાથમિકતા છે.
૬) ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે સદીઓથી ફ્રેન્ડ્લી સંબંધો રહ્યા છે. છેલ્લા બે દશકથી અમે અફઘાનિસ્તાનના આર્થિક અને સામાજિક વિકાસ માટે યોગદાન આપ્યું છે. એ જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો પાડોશી દેશોમાં અસ્થિરતા લાવવા તેમ જ ઉગ્રવાદી વિચારસરણીને પ્રોત્સાહન આપવા ઉપયોગ ન કરવામાં આવે.  
૭) કોઈ પણ સેક્ટર માટે મજબૂત કનેક્ટિવિટી હોવી જરૂરી છે. મજબૂત કનેક્ટિવિટી પરસ્પર ટ્રેડ જ નહીં, પરસ્પર વિશ્વાસ પણ વધારે છે. જોકે એ પ્રયાસોમાં એસસીઓના મૂળ સિદ્ધાંતો, ખાસ કરીને સભ્ય દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે.

narendra modi china pakistan shanghai national news terror attack