05 November, 2024 09:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં જ થતી હોય છે અને અંગ્રેજીમાં થતી આવી કાર્યવાહીને પડકારતી જનહિતની અરજીને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લેવાનો ઇનકાર કરી દીધો હતો.
અરજદારે બંધારણની કલમ 348(1)(A)ને પડકારી હતી, જે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજીના વિશિષ્ટ ઉપયોગને ફરજિયાત બનાવે છે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે અરજદારને સવાલ કર્યો હતો કે તમે બંધારણના આર્ટિકલ 348ની માન્યતાને કેવી રીતે પડકારી શકો? એ તો મૂળ બંધારણનો એક ભાગ છે.
અરજીને ફગાવી દેતાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે આ અરજીમાં તથ્યનો સંપૂર્ણપણે અભાવ હતો અને એમાં કોઈ મેરિટ નહોતું. કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે શું પક્ષકારોને બંધારણમાં માન્ય દરેક ભાષામાં સાંભળવા જોઈએ? અમારી પાસે અપીલ અને સ્પેશ્યલ લીવ પિટિશન (SLP) વિવિધ રાજ્યોમાંથી આવે છે અને શું હવે બંધારણમાં માન્યતાપ્રાપ્ત દરેક ભાષામાં અમારે પક્ષકારોને સાંભળવા જોઈએ?
અરજદારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં થતી કાર્યવાહીમાં માત્ર અંગ્રેજીના ઉપયોગના કારણે અરજદારોને અન્યાય થાય છે અને જેમની પાસે આ ભાષાનું જ્ઞાન નથી એવા લોકો અરજી દાખલ કરવામાં અસમર્થ રહે છે.