24 November, 2026 11:14 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરને લઈને કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેનો રાજકીય વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સાવરકરના પૌત્રના પુત્ર સાત્યકી સાવરકરે સોનિયા ગાંધીને કાનૂની નોટિસ મોકલી છે. તેમણે સોનિયા ગાંધીના સંસ્મરણ `Belonging: A Journey of Love` માં વીર સાવરકર વિશે કરવામાં આવેલી બે ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પુસ્તકમાં સાવરકરની ભૂમિકા અને તેમની વિચારધારાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. કાનૂની નોટિસમાં 15 દિવસની અંદર બિનશરતી માફી માગવા અને ખોટી હકીકતો સુધારવાની માગ કરવામાં આવી છે. જો આમ કરવામાં નહીં આવે તો સક્ષમ અદાલત અથવા સંબંધિત સત્તાધિકારી સમક્ષ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, વકીલ સંગ્રામ કોલ્હટકરે સાત્યકી સાવરકર વતી આ કાનૂની નોટિસ જારી કરી છે. તેમાં પુસ્તકનાં પેજ નંબર 201 અને 443 પર લખવામાં આવેલી ટિપ્પણીઓને તથ્યાત્મક રીતે ખોટી, ઐતિહાસિક સંદર્ભોથી ભટકાવનારી અને સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી ગણાવવામાં આવી છે.
કાનૂની નોટિસમાં પુસ્તકના પેજ નંબર 201 પર લખવામાં આવેલા એક અંશ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અંશમાં કહેવામાં આવ્યું છે કે કૉંગ્રેસના સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગ્રેજોના હુમલાઓ અને જેલની સજા સહન કરી રહ્યા હતા, જ્યારે RSSના વરિષ્ઠ વિચારક વિનાયક દામોદર સાવરકર અંગ્રેજ શાસકો સમક્ષ દયાની અરજીઓ લખી રહ્યા હતા અને સંગઠનના સભ્યો અંગ્રેજ અધિકારીઓ માટે બાતમીદારો તરીકે કામ કરી રહ્યા હતા. સાત્યકી સાવરકર કહે છે કે આ ટિપ્પણીથી સોનિયા ગાંધી માને છે કે સાવરકર અંગ્રેજો સાથે મળીને ભારતીય સ્વતંત્રતા સેનાની સામે કામ કરી રહ્યા છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સાવરકરે બ્રિટિશ શાસન દરમિયાન લાંબી કેદ અને કઠોર યાતનાઓ સહન કરી હતી. તેમને આંદામાનની સેલ્યુલર જેલમાં પણ રાખવામાં આવ્યા હતા. સાત્યકી સાવરકરનો દલીલ છે કે તેમની દયાની અરજીઓનો ઉલ્લેખ કરતી વખતે તે સમયની પરિસ્થિતિઓ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે, જેમાં આ અરજીઓ કરવામાં આવી હતી. આ પાસાઓને ધ્યાનમાં લીધા વિના તેમના જીવન અને રાજકીય સંઘર્ષની અધૂરી અને ભ્રામક તસવીર રજૂ થાય છે.
કાનૂની નોટિસમાં પુસ્તકના પાનાં નંબર 443 પર લખાયેલા અન્ય એક અંશ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમાં સાવરકરને મહાત્મા ગાંધીના સમકાલીન અને હિન્દુત્વની વિચારધારાના સ્થાપક ગણાવીને કહેવામાં આવ્યું છે કે તેમની વિચારધારા ભારતને મુખ્યત્વે એવા રાષ્ટ્ર તરીકે જુએ છે, જ્યાં હિન્દુઓનું વર્ચસ્વ હોય.
નોટિસમાં આ વિચારધારાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેમની સાથે જોડાયેલા સંગઠનોની વિચારધારા સાથે સાંકળવામાં આવી છે. સાત્યકી સાવરકરનો આક્ષેપ છે કે આ ટિપ્પણી તેમના પૂર્વજની રાજકીય અને વૈચારિક વિચારધારાને અત્યંત મર્યાદિત રીતે રજૂ કરે છે. તેમનું કહેવું છે કે સાવરકરનાં લખાણો, ભાષણો અને વિચારોને યોગ્ય ઐતિહાસિક, બૌદ્ધિક અને રાજકીય સંદર્ભમાં સમજ્યા વિના આવું તારણ કાઢવું ખોટું છે. નોટિસ અનુસાર, આ બંને ટિપ્પણીઓને એકસાથે વાંચવાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાવરકરની ભૂમિકા અને તેમની વિચારધારાનું ખોટું ચિત્ર ઊભું થાય છે. જેના કારણે વાચકો ગેરમાર્ગે દોરાઈ શકે છે અને તેમના વારસા અંગે અયોગ્ય ધારણા બંધાઈ શકે છે.
કાનૂની નોટિસમાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન સાવરકરના સન્માનમાં લેવામાં આવેલાં પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં સાવરકરના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હોવાનો તેમજ ઇન્દિરા ગાંધીએ પોતાના બેંક ખાતામાંથી સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક માટે વ્યક્તિગત રીતે 11 હજાર રૂપિયાનું યોગદાન આપ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાત્યકી સાવરકરે સવાલ ઉઠાવ્યો છે કે ઇન્દિરા ગાંધી દ્વારા સાવરકરને દેશભક્ત અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે આપવામાં આવેલા સન્માનને તેમની પુત્રી સોનિયા ગાંધીનાં પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે કેવી રીતે સાંકળીને જોવું જોઈએ?
કાનૂની નોટિસમાં સોનિયા ગાંધીને બંને ટિપ્પણીઓના સમર્થનમાં પ્રમાણભૂત ઐતિહાસિક દસ્તાવેજો રજૂ કરવા અથવા તેમાં રહેલી તથ્યાત્મક ભૂલો અને ભ્રામક સંકેતો સ્વીકારવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ, તેમની પાસેથી લેખિતમાં સ્પષ્ટ અને બિનશરતી માફી માગવાની માંગ પણ કરવામાં આવી છે.આ ઉપરાંત, જાહેરમાં સ્પષ્ટતા જારી કરીને આ ટિપ્પણીઓનો ઐતિહાસિક આધાર, સંદર્ભ અને તેનો હેતુ સમજાવવા તેમજ કોઈપણ ખોટી કે ભ્રામક માહિતીને સુધારવા માટે કહેવામાં આવ્યું છે. કાનૂની નોટિસ મળ્યાના 15 દિવસની અંદર આ માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.