કૅનેડામાં ઇન્દિરાની હત્યાનો સીન રજૂ કરાતાં જયશંકરે કરી આકરી ટીકા

09 June, 2023 11:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બ્રામ્પ્ટનમાં ખાલિસ્તાનીઓ દ્વારા આયોજિત એક પરેડના ભાગરૂપે ઇન્દિરા ગાંધીની હત્યાનો સીન રજૂ કરવામાં આવ્યો હતો

કૅનેડાના બ્રામ્પ્ટનમાં યોજાયેલી પરેડમાં ઇન્દિરા ગાંધીની હત્યાની રજૂઆત.

અલગતાવાદી અને ઉગ્રવાદી તત્ત્વોને મોકળું મેદાન પૂરું પાડવા બદલ ભારતે ગઈ કાલે કૅનેડાની આકરી ટીકા કરી હતી. કૅનેડાની સિટી બ્રામ્પ્ટનમાં ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો સીન ક્રીએટ કરીને એની ઉજવણી કરવાની ઘટનાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર આવ્યા બાદ ભારતે આવું રીઍક્શન આપ્યું હતું. એક પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ‘કૅનેડા ભારત વિરોધી તત્ત્વોને એની ધરતી પરથી ઑપરેટ કરવાની છૂટ આપી રહ્યું છે એ એના પોતાના માટે તેમ જ એના ભારત સાથેના સંબંધો માટે સારી બાબત નથી. હું માનું છું કે આ મામલે મોટો મુદ્દો રહેલો છે. કૅનેડા સતત આવાં તત્ત્વોને મોકળું મેદાન આપે છે. સ્પષ્ટ રીતે કહું તો અમે સમજી શકતા નથી કે વોટ બૅન્કના પૉલિટિક્સની જરૂરિયાત સિવાય આવું કોઈ શા માટે કરે.’ તેમણે વધુ જણાવ્યું હતું કે ‘કેમ કે જો તમે કૅનેડાનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવે કે તેઓ ઇતિહાસમાંથી શીખ્યા છે અને તેઓ એ ઇતિહાસનું પુનરાવર્તન થાય એમ ઇચ્છતા નથી. આવી માત્ર એકાદ ઘટના નથી.’ બ્રામ્પ્ટનમાં ખાલિસ્તાનીઓ દ્વારા આયોજિત એક પરેડના ભાગરૂપે ઇન્દિરા ગાંધીની હત્યાનો સીન રજૂ કરવામાં આવ્યો હતો, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર આવ્યો હતો. 

એક ભારતીય તરીકે કૅનેડાના બ્રામ્પ્ટનમાં થયેલી પાંચ કિલોમીટર લાંબી પરેડમાં ઇન્દિરા ગાંધીની હત્યાની રજૂઆતથી મને આઘાત લાગ્યો છે. આ કોઈનો પક્ષ લેવાની વાત નથી.  - મિલિંદ દેવરા, કૉન્ગ્રેસના નેતા

indira gandhi new delhi canada punjab national news