પશ્ચિમ બંગાળમાં ૭૭ મતદાનબૂથ પર ફરી વોટિંગ કરાવવાની માગણી ઊઠી

01 May, 2026 09:13 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપંચે કહ્યું કે પૂરી તપાસ કર્યા પછી જો રી-પોલની જરૂર હશે તો જલદી નિર્ણય લેવામાં આવશે

ગઈ કાલે કલકત્તામાં સ્ટ્રૉન્ગ-રૂમની બહાર પહેરો ભરતી પોલીસ

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમ્યાન અલગ-અલગ બેઠકોમાંથી કુલ ૭૭ મતદાનબૂથ પર EVMની સુરક્ષા અને પારદર્શિતા પર સવાલ ઊઠતાં ચૂંટણીપંચ ઍક્શન મોડમાં આવી ગયું છે. નૉર્થ ૨૪ પરગણા, ફાલતા, ડાયમન્ડ હાર્બર અને મગરાહાટ એમ ચાર વિધાનસભા ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં ચૂંટણીપંચને ફરિયાદ મળી છે. કુલ મળીને ૭૭ મતદાનબૂથ પર બીજી વાર મતદાન કરાવવાની માગણી થઈ છે.

ફરિયાદમાં EVM સાથે છેડછાડ અને મશીનો પર શાહી નાખીને ભૂંસવાની કોશિશનો આરોપ છે. કેટલીક જગ્યાએ CCTV કૅમેરાને અવરોધવાની કોશિશ કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ મતદાનની ગોપનીયતા ભંગ કરીને ધાકધમકી આપવાની ફરિયાદ થઈ હતી. કેટલાક ક્ષેત્રોમાં મતદાતાઓના શર્ટમાં સ્પાય-કૅમેરા ગોઠવવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો જેનાથી મતદાનની ગોપનીયતા જળવાઈ નહોતી.

ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે વિશેષ ઑબ્ઝર્વર સુભ્રત ગુપ્તાને ઘટનાસ્થળોએ જઈને તપાસનો નિર્દેશ આપ્યો છે. દરેક બૂથની પરિસ્થિતિને અલગથી ચકાસવામાં આવશે. જ્ઞાનેશ કુમારે કહ્યું હતું, ‘પૂરી તપાસ કર્યા વિના કોઈ નિર્ણય નહીં લેવામાં આવે. જોકે આ મામલાને હલકામાં લેવાશે નહીં. ફરીથી મતદાન કરાવવાની જરૂર હશે તો જલદીથી એનો નિર્ણય લેવાશે.’

તૃણમૂલ કૉન્ગ્રેસે કલકત્તામાં EVM સ્ટ્રૉન્ગ-રૂમ બહાર ધરણાં કર્યાં

તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)એ કલકત્તામાં EVM સ્ટ્રૉન્ગ-રૂમની બહાર ધરણાં શરૂ કર્યાં છે. પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે બૅલટ-બૉક્સ તેમના પ્રતિનિધિઓની હાજરી વિના ખોલવામાં આવી રહ્યાં છે. પાર્ટીએ વિડિયો શૅર કરીને લખ્યું હતું, ‘CCTV ફુટેજમાં સાફ દેખાય છે કે BJP અને ચૂંટણીપંચ મળીને ખુલ્લેઆમ ગોલમાલ કરી રહી છે.’

કલકત્તામાં નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં બનાવેલા EVM સ્ટ્રૉન્ગરૂમની બહાર ધરણા પર બેઠેલા TMCના નેતા કુણાલ ઘોષે કહ્યું હતું, ‘ચૂંટણીપંચના CCTV અને લાઇવસ્ટ્રીમમાં અંદર કેટલાક લોકો કામ કરતા દેખાય છે. જોકે TMCના કોઈ પ્રતિનિધિને અંદર નથી જવા દેતા.’

west bengal election commission of india congress bharatiya janata party trinamool congress national news news political news