10 January, 2026 10:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શર્મિલા ટાગોર
રખડતા કૂતરાઓની સમસ્યાના ઉકેલ માટે તમામ પ્રકારના કૂતરાઓ માટે એક જ પ્રકારના અભિગમ વિરુદ્ધ ઍક્ટ્રેસ શર્મિલા ટાગોરની દલીલોની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ટીકા કરી હતી. શર્મિલા ટાગોરના વકીલે ઘણાં વર્ષોથી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) કૅમ્પસમાં રહેતા મૈત્રીપૂર્ણ કૂતરા ગોલ્ડીનું ઉદાહરણ આપ્યું હતું. તેમના વકીલે સમજાવ્યું હતું કે ‘ચોક્કસપણે એવા કૂતરા હોઈ શકે છે જેમને કાયમ માટે સુવડાવી દેવાની જરૂર હોય, પરંતુ એમને પહેલાં યોગ્ય સમિતિ દ્વારા આક્રમક તરીકે ઓળખવા જોઈએ. અમે કૂતરાઓના વર્તનને ધ્યાનમાં લેવા માટે એક નિષ્ણાત સમિતિનું સૂચન કરીએ છીએ. આક્રમક અને સામાન્ય કૂતરાઓ વચ્ચેનો તફાવત વિચારમાં લેવો જોઈએ.’
તેમણે જ્યૉર્જિયા અને આર્મેનિયાનું ઉદાહરણ આપતાં કૂતરાઓને આક્રમક કૂતરા અથવા સામાન્ય કૂતરા તરીકે ઓળખવા માટે કલર-કોડિંગ કૉલર સૂચવ્યા હતા. જોકે શર્મિલા ટાગોરની આ દલીલોને સુપ્રીમ કોર્ટે વ્યવસ્થિત રીતે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ‘તમે વાસ્તવિકતાથી સંપૂર્ણપણે દૂર છો. હૉસ્પિટલોમાં રહેલા કૂતરાઓનો મહિમા કરવાનો પ્રયાસ કરશો નહીં. કૃપા કરીને વાસ્તવિક સલાહ આપો.’