28 May, 2024 12:21 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કલકત્તા, જયનગર, મેદિનીપુર અને ઉત્તર તથા દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ભારે વરસાદ થયો હતો
ખતરનાક ચક્રવાતી વાવાઝોડું રેમલ રવિવારે રાતે ૮.૩૦ વાગ્યે પશ્ચિમ બંગાળના કેનિંગમાં ટકરાયું હતું અને ચાર કલાક ચાલેલા લૅન્ડફૉલમાં ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આશરે ૧૫,૦૦૦ કાચાં ઘરોને વ્યાપક નુકસાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ૪ જણનાં મૃત્યુ થયાં હતાં, જેમાં કલકત્તામાં દીવાલ પડવાથી એકનું મૃત્યુ, સાઉથ ૨૪ પરગણા જિલ્લામાં વૃક્ષ પડવાથી એકનું મૃત્યુ અને પૂર્વ બર્ધમાન જિલ્લામાં વીજળીનો કરન્ટ લાગવાથી બેનાં મૃત્યુ થયાં હતાં.
કલકત્તા, જયનગર, મેદિનીપુર અને ઉત્તર તથા દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. પવનને કારણે લોકોની હાલત કફોડી બની હતી. કલકત્તામાં ૧૦૦થી વધારે વૃક્ષો અને વીજળીના થાંભલા તૂટી પડ્યાં હતાં. પાંચ ઇંચ વરસાદને કારણે કલકત્તાના રસ્તાઓ જળમગ્ન થયા હતા. ૨૧ કલાક બંધ રહ્યા બાદ કલકત્તા ઍરપોર્ટની ફ્લાઇટો ગઈ કાલે બપોરે શરૂ થઈ હતી.
નૉર્થ-ઈસ્ટ ભણી ચક્રવાત
હવે આ ચક્રવાત નૉર્થ-ઈસ્ટનાં રાજ્યો જેવાં કે ત્રિપુરા, મેઘાલય, આસામ અને સિક્કિમ તરફ વળી ગયું છે અને આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જોકે એ કમજોર થઈ રહ્યું છે. ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે.
બંગલાદેશમાં ૭નાં મોત
અક્રવાતને કારણે બંગલાદેશમાં ૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. બંગલાદેશમાં ૧.૫ કરોડ લોકોના ઘરમાં વીજળીપુરવઠો કાપી નાખવામાં આવ્યો છે.