26 October, 2024 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દિલ્હીના એક ઍપ ડેવલપરે જિયોહૉટસ્ટાર ડોમેન નેમ ખરીદી લીધું હતું અને હવે આ ડોમેન વેચવા માટે તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે એક કરોડ રૂપિયાની માગણી કરી છે એને પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની સામે કાનૂની પગલાં લેવાનું વિચારી રહી છે.
જિયોએ મ્યુઝિક ઍપ saavn.com ખરીદ્યા પછી એનું નામ jiosaavn.com કરી દીધું હતું. આથી જો જિયોસિનેમા અને ડિઝની તથા હૉટસ્ટારનું મર્જર થાય તો તેની કંપનીનું ડોમેન નેમ JioHotstar થાય એમ ધારીને એક ડેવલપરે આ નામ ઉપલબ્ધ હોવાથી ખરીદી લીધું હતું. હવે જ્યારે આ સોદો થવાની તૈયારીમાં છે ત્યારે આ ઍપ ડેવલપરે આ ડોમેનનેમના પેજ પર પોતાની માગણી મૂકી છે.
શું છે માગણી?
આ અજાણ્યા ઍપ ડેવલપરે jiohostar.com ડોમેન નેમ આપવા માટે આશરે એક કરોડ રૂપિયાની માગણી મૂકી છે. આ યુવાને જણાવ્યું છે કે તેને કેમ્બ્રિજમાં કોર્સ કરવો છે અને જો આ રકમ તેને મળી જાય તો તેનો અભ્યાસ આસાન થઈ જશે. તેણે આ ડોમેન પેજ પર તેની આખી વાત લખી છે. તેનું માનવું છે કે આ મર્જર તેના અભ્યાસની આશા પરિપૂર્ણ કરશે. ગુરુવારે તેણે આમાં અપડેટ મૂકતાં લખ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક સિનિયર અધિકારીએ મારો સંપર્ક કર્યો હતો, મેં ૯૩,૩૪૫ પાઉન્ડ (આશરે ૧.૦૧ કરોડ રૂપિયા)ની માગણી કરી છે.
કાનૂની પગલાંની ધમકી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ ઍપ ડેવલપરને કાનૂની પગલાંની ધમકી આપી છે. ડેવલપરે જણાવ્યું છે કે ‘મારી માગણી નકારવામાં આવી છે અને મારી સામે કાનૂની પગલાં લેવાની ધમકી આપવામાં આવી છે. હું આશા રાખું છું કે તેઓ મારી માગણી મુદ્દે ફેરવિચાર કરશે. મને લાગે છે કે આ મોટું કૉર્પોરેટ ગ્રુપ મદદ કરી શકે એમ છે. મારી પાસે રિલાયન્સ જેવી મોટી કંપની સામે ટકવાની તાકાત નથી. મેં આ ડોમેન નેમ ૨૦૨૩માં ખરીદ્યું હતું અને એ સમયે તો જિયોહૉટસ્ટાર અસ્તિત્વમાં પણ નહોતું. મેં જ્યારે એ ખરીદ્યું ત્યારે એના પર કોઈનો ટ્રેડમાર્ક નહોતો. કદાચ થોડા કલાકોમાં હું આ ડોમેન નેમની માલિકી ઑટોમૅટિકલી ગુમાવી શકું એમ છું. મને કાનૂની નિષ્ણાતોની સલાહ જોઈએ છે.’
મેરી દિવાલી ભી બઢિયા હો જાએ
આ મુદ્દે વધુ અપડેટ આપતાં આ ડેવલપરે લખ્યું હતું કે ‘મને દુનિયાભરમાંથી કાનૂની મદદ મળવાની શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટ તથા કેમ્બ્રિજ, લંડન, કૅલિફૉર્નિયા, ટેક્સસ અને બર્લિનના લીગલ એક્સપર્ટ્સ તરફથી પણ મદદ મળી છે; પણ તેઓ વ્યક્તિગત કે લૉજિસ્ટિક કારણો આપીને કદાચ પાછા હટી શકે છે. જોકે આ બધું વાંચીને મારાં મમ્મી-પપ્પા ટેન્શનમાં આવી ગયાં છે. આ વાત આટલી બધી પણ વાઇરલ થવાની જરૂર નહોતી. કદાચ કાનૂની દાવપેચ સામે લડી શકાય, પણ માતા-પિતાને સમજાવવા મુશ્કેલ છે. હું તો રિલાયન્સ સામે કોર્ટમાં નહીં જાઉં, પણ તેઓ નોટિસ મોકલે તો મારે જવાબ આપવો પડે. એવા પણ સંજોગો છે કે તેઓ મને એક પણ રૂપિયો ન ચૂકવે. જોકે હું તો ધારું છું કે ખબર નહીં પણ રિલાયન્સને કારણે મારી દિવાળી પણ સુધરી જાય.’