રાજસ્થાનની ૪૩ ડિગ્રી ગરમીમાં આ રશિયન યોગિનીએ આદરી છે ૯ ધૂણી વચ્ચે ૨૧ દિવસની અગ્નિતપસ્યા

16 May, 2026 09:13 AM IST  |  Pushkar | Gujarati Mid-day Correspondent

ગુરુ સાથે સ્મશાનમાં બેસીને શરીરે રાખ ચોળીને ધ્યાન કરવાની આ તપસ્યા ત્રીજી મેથી શરૂ થયેલી અને ૨૫ મે સુધી ચાલશે

પુષ્કરની સ્મશાનભૂમિમાં અઘોરી સીતારામ બાબાના આશ્રમમાં ૯ ધૂણી તપસ્યા કરી રહેલાં રાધિકા યોગિની અન્નપૂર્ણા નાથ અને તેમના ગુરુ બાલયોગી દીપક નાથ.

ભારતના તપસ્વી સાધુ-સંતોને આકરી તપસ્યા કરતા આપણે જોયા છે, પરંતુ આજકાલ એક રશિયન મહિલાની તપસ્યા ચર્ચામાં છે. રાજસ્થાનના પુષ્કરમાં એક ર‌શિયન મહિલાએ અત્યંત કપરી કહેવાય એવી ૨૧ દિવસની ૯ ધૂણી તપસ્યા આદરી છે. એક તરફ  રાજસ્થાનમાં ૪૩ ડિગ્રીથી વધુનું તાપમાન છે અને એમાં આ સાધ્વી પોતાની આજુબાજુ છાણાંની ૯ ભઠ્ઠી સળગાવીને વચ્ચે જપતપ કરવા બેસે છે. તેની આ સાધના પુષ્કરમાં ખૂબ ચર્ચામાં છે. લોકો દૂર-દૂરથી આ યોગિનીને સ્મશાનમાં તપસ્યા કરતાં જોવા આવી રહ્યા છે.

કોણ છે આ યોગિની?

આ મહિલાનું નામ છે રાધિકા યોગિની અન્નપૂર્ણા નાથ. તેની તપસ્યા ત્રીજી મેએ શરૂ થઈ હતી જે ૨૫ મે સુધી ચાલશે. અન્નપૂર્ણા નાથ રશિયાથી ૧૭ વર્ષ પહેલાં ભારત આવી હતી અને ત્યારથી શિવ ભક્તિયોગમાં લીન થઈને શિવની સેવાને સમર્પિત થઈ ગઈ છે. તેણે ૧૦ વર્ષ પહેલાં નાથ સંપ્રદાય અપનાવ્યો હતો અને ત્યારથી તે નાથ સંપ્રદાયની પરંપરા મુજબ જ જીવત વ્યતીત કરે છે. તેણે નામ બદલીને ભારતીય કરી દીધું છે, પરંતુ હજીયે તે રશિયન નાગરિક જ છે અને ભારતમાં ટૂરિસ્ટ વીઝા પર રહે છે.

તપસ્યામાં શું કરે છે?

પુષ્કરની છોટી બસ્તી પાસે આવેલી સ્મશાનભૂમિમાં અઘોરી સીતારામ બાબાના આશ્રમમાં રાધિકા યોગિનીએ ૯ ધૂણી વચ્ચે બેસીને ૨૧ દિવસની સાધના શરૂ કરી છે. આ દરમ્યાન તે રોજ ૪ કલાક ધધકતી ગરમી વચ્ચે બેસીને શિવસાધના અને ગુરુ બીજમંત્રનો જાપ કરે છે. તપસ્યાના ભાગરૂપે જ તે રોજ હવનપૂજન અને આરતી પણ કરે છે. તેની આ સાધનામાં તેના ગુરુ બાલયોગી દીપક નાથ રમતે રામ પણ છે. અન્નપૂર્ણા નાથની આ પહેલી અગ્નિતપસ્યા છે. બન્ને ગુરુ-શિષ્ય સાધના શરૂ કરતાં પહેલાં શરીરે ભસ્મનો લેપ કરે છે અને એક કૂંડાળું બનાવીને એની અંદર રાખના ઢેર પર ધ્યાનમુદ્રામાં બેસે છે. બપોરે ૧૧થી ૩ વાગ્યા સુધી અગ્નિની ધૂણીઓ વચ્ચે યોગમુદ્રામાં તપસ્યા થાય છે. આસનની આસપાસ ગાયનાં સૂકવેલાં છાણાંની ૯ ધૂણી સળગાવવામાં આવે છે. ધીમે-ધીમે આ ધૂણીઓમાં છાણાંની સંખ્યા વધારવામાં આવે છે. છેલ્લા દિવસે ૧૦૮ છાણાંનો પ્રયોગ કરવામાં આવશે.

rajasthan national news news