✕

રિલેટિવ્સને વળાવવા ૧૨ જણ વંદે ભારતમાં ચડ્યા અને ટ્રેનનો ઊપડવાનો ટાઇમ થયો એટલે ઑટોમૅટિક દરવાજા બંધ થઈ ગયા

17 November, 2026 01:05 PM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

વંદે ભારત એક્સપ્રેસના દરવાજા માત્ર નિર્ધારિત સ્ટેશનો પર જ ખૂલતા હોવાથી ટ્રેન ઊપડી ગઈ હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશના કાનપુર સેન્ટ્રલ સ્ટેશને રવિવારે સવારે એક વિચિત્ર ઘટના બની હતી. અહીં સગાં-સંબંધીઓને ટ્રેનમાં બેસાડવા ગયેલા ૧૨ લોકો બનારસ-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસની અંદર જ ફસાઈ ગયા હતા. આ તમામ લોકો ટ્રેનની અંદર હતા ત્યારે જ અચાનક ઑટોમૅટિક દરવાજા બંધ થઈ ગયા હતા. વંદે ભારત એક્સપ્રેસના દરવાજા માત્ર નિર્ધારિત સ્ટેશનો પર જ ખૂલતા હોવાથી ટ્રેન ઊપડી ગઈ હતી.
કાનપુર પછી ટ્રેનનું સીધું સ્ટૉપ નવી દિલ્હી આવતું હોવાથી અંદર ફસાયેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમણે નીચે ઊતરવા માટે ટ્રેનની અંદર મોટો હોબાળો કર્યો હતો. આખરે ટ્રેનના સ્ટાફે કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના નિર્દેશ પર સવારે ૧૦.૪૯ વાગ્યે ટ્રેનને ઇટાવા જંક્શન પર રોકવામાં આવી હતી.
ઇટાવા સ્ટેશને રેલવે પ્રોટેક્શન ફૉર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના ઇન્સ્પેક્ટરોએ તમામ ૧૨ લોકોને નીચે ઉતાર્યા હતા. પ્લૅટફૉર્મ ટિકિટ વિના મુસાફરી કરવા અને ટ્રેનમાં હોબાળો કરવા બદલ વાણિજ્ય વિભાગના અધિકારીઓએ દરેક વ્યક્તિ પાસેથી ૩૦૦૦ રૂપિયા લેખે કુલ ૩૬,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ત્યાર બાદ તમામને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની કડક ચેતવણી આપીને છોડી દેવાયા હતા.

kanpur vande bharat uttar pradesh indian railways national news