શહીદ પુત્રની માતાને રડતી જોઈ રાષ્ટ્રપતિએ પ્રોટોકૉલ તોડ્યો, સામે ચાલીને કીર્તિ ચક્ર સોંપ્યું

10 June, 2026 07:13 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

લેફ્ટનન્ટ શશાંક તિવારીને મરણોપરાંત દેશનું બીજું સર્વોચ્ચ વીરતા સન્માન: નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ પણ હાથ જોડીને ભાવુક થયા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહ દરમ્યાન એક એવી હૃદયદ્રાવક પળ આવી જેણે ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની કરી દીધી હતી. દેશની સેવા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર સપૂત લેફ્ટનન્ટ શશાંક તિવારીને મરણોપરાંત દેશના બીજા સર્વોચ્ચ વીરતા સન્માન ‘કીર્તિ ચક્ર’થી નવાજવામાં આવ્યા હતા. આ ગૌરવશાળી ક્ષણે દીકરાની યાદમાં માતા નીતા તિવારી સ્ટેજ તરફ આગળ વધતાં જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં.

માતાની આ અસહ્ય વેદના અને આંસુ જોઈને રાષ્ટ્રપતિએ પણ પ્રોટોકૉલ તોડ્યો હતો. રાષ્ટ્રપતિ પોતે મંચ પરથી નીચે ઊતરીને શહીદનાં માતા પાસે પહોંચ્યાં હતાં અને ભાવુક થઈને તેમને કીર્તિ ચક્ર એનાયત કર્યું હતું, જ્યારે શહીદનાં માતા રાષ્ટ્રપતિને ભેટીને રડવા લાગ્યાં ત્યારે રાષ્ટ્રપતિએ પણ અત્યંત સંવેદનશીલતા દાખવીને પીઠ પર હાથ મૂકી તેમને સાંત્વન આપ્યું હતું.

આ અભૂતપૂર્વ દૃશ્ય જોઈને આખો સભાગૃહ સ્તબ્ધ અને ગમગીન થઈ ગયો હતો. મંચ પર ઉપસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ પણ હાથ જોડીને શહીદનાં માતાના દુઃખમાં સહભાગી થતા નજરે પડ્યા હતા.

national news india indian army indian government droupadi murmu