14 December, 2025 09:53 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
સંભલમાં પોલીસચોકી
૨૦૨૪ની હિંસા દરમ્યાન જે ઈંટ અને પથ્થરો તોફાનીઓએ પોલીસ પર ફેંક્યાં હતાં એનો ઉપયોગ કરીને ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસચોકી બનાવવામાં આવી હતી અને ગઈ કાલે આ પોલીસચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ચોકીનું બાંધકામ ૨૦૨૫ની ૪ માર્ચે શરૂ થયું હતું અને ઇનાયા નામની મુસ્લિમ છોકરીના હાથે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ માળખું ૯ મહિના ૧૩ દિવસમાં પૂરું થયું હતું. હરિહર મંદિર અને જામા મસ્જિદના સર્વેક્ષણના વિવાદને કારણે થયેલી કોમી હિંસા બાદ એ શરૂ થયું હતું. જામા મસ્જિદના સર્વેક્ષણને લઈને ફાટી નીકળેલી હિંસામાં ૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૨૮ પોલીસ-કર્મચારીઓ ઘાયલ થયા હતા.
પોલીસ પર આશરે ૬ ટ્રૉલી ભરીને ઈંટ અને પથ્થરો ફેંકવામાં આવ્યાં હતાં. પોલીસ-પ્રશાસને આ તમામ ચીજોને જમા કરી હતી અને એનો જ ઉપયોગ આ પોલીસચોકી બનાવવામાં થયો છે. નવી પોલીસચોકીના ઉદ્ઘાટન સમારોહ વખતે વૈદિક મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું. પોલીસચોકી શરૂ કરતાં પહેલાં હવન, પરંપરાગત પ્રાર્થના અને દુર્ગા સપ્તશતીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. બે માળની આ ચોકી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાથી સજ્જ છે અને એમાં કન્ટ્રોલ-રૂમ પણ છે.