29 April, 2026 09:16 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
વારાણસીમાં યોજાયેલા મહિલા સંમેલન દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે નવી અમૃત ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું હતું. અયોધ્યા-મુંબઈ (LTT) એક્સપ્રેસ ઉપરાંત બનારસથી હડપસર (પુણે)ની અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશનાં ગવર્નર આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત હતાં.
અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલાનાં દર્શન કરવા ઇચ્છતા મુંબઈગરાઓ માટે રેલવે દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ અને અયોધ્યાધામ વચ્ચે ચાલનારી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વારાણસીથી વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ નવી અમૃત ભારત ટ્રેનની સૌથી મોટી વિશેષતા એની ‘પુશ-પુલ’ ટેક્નૉલૉજી છે જેનાથી મુસાફરીના સમયમાં નોંધપાત્ર બચત થશે. સંપૂર્ણપણે નૉન-AC સ્લીપર કોચ ધરાવતી આ ટ્રેનો સામાન્ય જનતા માટે આર્થિક રીતે પરવડે એવી હશે. આ ટ્રેન સાપ્તાહિક છે.
મુંબઈ-અયોધ્યાની ઉદ્ઘાટન સ્પેશ્યલ ટ્રેન ગઈ કાલે સાંજે ૪.૪૫ વાગ્યે અયોધ્યાધામથી ઊપડી હતી. એ પ્રયાગરાજ, જબલપુર અને ભુસાવળ જેવાં મુખ્ય સ્ટેશનોએ થઈને આજે રાતે ૮.૩૦ વાગ્યે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) પહોંચશે.
ઉદ્ઘાટન સ્પેશ્યલ ટ્રેન ગઈ કાલે અયોધ્યાથી નીકળી , આજે મુંબઈ પહોંચશે. જોકે સપ્તાહના કયા દિવસે આ ટ્રેન દોડશે એની જાહેરાત હજી નથી થઈ.