02 November, 2026 07:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિવાળી આવી રહી છે ત્યારે જ ઑઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નો ભાવ વધારી દેવામાં આવ્યો છે. ગઈ કાલે રવિવારે ઑઇલ કંપનીઓ દ્વારા આખા દેશભરમાં કમર્શિયલ LPGના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)માં પણ ૧.૩૭ રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
સામાન્ય લોકોના ઘરમાં વપરાતા ડોમેસ્ટિક LPGના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો એ એક નિરાંત છે, પરંતુ કમર્શિયલ LPGના ભાવમાં વધારો કરવામાં આવતાં ભવિષ્યમાં બહાર મળતી વસ્તુઓ, ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ વધારો થાય એવી શક્યતા હોવાથી આડકતરી રીતે સામાન્ય લોકોને આ ભાવવધારાની અસર થશે એવી શક્યતા છે.
મુંબઈમાં શું ભાવ થયો?
૧૦ રૂપિયાના ભાવવધારા બાદ મુંબઈમાં ૧૯ કિલોના કમર્શિયલ LPGની કિંમત ૨૭૭૫ રૂપિયા થઈ ગઈ છે.
આ વર્ષે ત્રીજો વધારો
ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં કમર્શિયલ LPGના ભાવમાં આ ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. એને પગલે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં LPGના થતા ઉપયોગ કરતાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં LPGના થતા ઉપયોગમાં ૯.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.