26 September, 2024 04:16 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
જગન્નાથ મંદિર
તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં પશુઓની ચરબીનો મામલો બહાર આવ્યા બાદ ઓડિશા સરકારે પુરીના જગન્નાથ મંદિરમાં બનાવવામાં આવતા પ્રસાદમાં વાપરવામાં આવતા ઘીની ક્વૉલિટીની ચકાસણી કરવાનું નક્કી કર્યું છે. આ મુદ્દે પુરીના કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે ‘બારમી સદીના આ મંદિરમાં આવા કોઈ આરોપ થયા નથી, પણ પ્રશાસને ભગવાન માટે તૈયાર કરવામાં આવતા કોઠા ભોગમાં વપરાતા ઘીની ક્વૉલિટીની ચકાસણી કરવાનું નક્કી કર્યું છે. આ મંદિરમાં ઓડિશા મિલ્ક ફેડરેશન ઘીનો પુરવઠો પૂરો પાડે છે. આ મુદ્દે ફેડરેશન સાથે પણ ચર્ચા કરવામાં આવશે.’
આ પહેલાં મંદિરમાં ઘીના દીવાઓમાં ભેળસેળ ધરાવતું ઘી વાપરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી હતી, એ પછી ઘીની ચકાસણી કર્યા બાદ જ દીવા માટેના ઘીની ખરીદી શરૂ કરાઈ હતી.