ઉત્તર ભારતમાં ઠંડીનો કેર

15 January, 2024 09:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ચેન્નઈ, વારાણસી, બાગડોગરા અને લખનઉની ફ્લાઇટના સમયપત્રકને અસર થઈ હતી.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ

નવી દિલ્હી : ગાઢ ધુમ્મસે ગઈ કાલે સવારે દિલ્હી વિમાનમથકે કામગીરી ખોરવી નાખી હતી. આથી ૧૦ ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી હતી અને સોએક ફ્લાઇટ મોડી પડી હતી. તદુપરાંત અમુક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભયંકર ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને આમાંથી ટૂંકમાં રાહત મળે એવી શક્યતા 
હાલ નથી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે બે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ સહિત ૧૦ ફ્લાઇટને સવારે ૪.૩૦થી બપોરે ૧૨ દરમ્યાન જયપુર ડાઇવર્ટ કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર ઍરલાઇન્સોએ જણાવ્યું હતું કે વિપરીત હવામાન પરિસ્થિતિને કારણે ફ્લાઇટોના સમયપત્રક પર અસર થવાની શક્યતા છે. રવિવારે સવારે દિલ્હીથી કૅનેડાના વૅનકુવર જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારવામાં આવે એ પૂર્વે તેમણે કલાકો સુધી વિમાનમાં બેસી રહેવું પડ્યું હતું. ઍરલાઇનના એક અધિકારીએ જણાવ્યું હતું કે થોડા કલાકો સુધી રાહ જોયા બાદ વિમાનના સમયપત્રકને બદલવાનો નિર્ણય લોવાયો હતો. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ચેન્નઈ, વારાણસી, બાગડોગરા અને લખનઉની ફ્લાઇટના સમયપત્રકને અસર થઈ હતી.

national news new delhi north india