25 October, 2026 11:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વિક્રાંત તોમર
દિલ્હીના ૨૩ વર્ષના વિક્રાંત તોમર નામના માણસની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે પોતે એક ધનિક ઉદ્યોગપતિ હોવાનો ડોળ કર્યો અને લગ્નનું વચન આપીને લગભગ ૨૦ મહિલા પોલીસ-કૉન્સ્ટેબલો પાસેથી આશરે ૨૪ લાખ રૂપિયા પડાવ્યા હતા. તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે તોમરે એક જ બૅચની મહિલાઓને નિશાન બનાવી હતી. તેણે તેમનો વિશ્વાસ જીતવા માટે લક્ઝરી કાર અને ભવ્ય લાઇફસ્ટાઇલનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર બાદ રોકાણ પર ઊંચું વળતર આપવા જેવા બહાના હેઠળ તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા.
ચિલીના એક દરિયાકિનારે ૧૬ ફુટની એક વિશાળ ‘ડૂમ્સડે ફિશ’ કિનારે તણાઈ ગઈ છે, જેનાથી નવો ભય પેદા થયો છે કે વિનાશક કુદરતી આફત નજીક આવી શકે છે. ઊંડા સમુદ્રમાં રહેતી આ માછલી દરિયાકિનારે તણાઈ આવતાં પ્રાચીન લોકવાયકાઓ ફરીથી જીવંત થઈ છે જે એના આગમનને પગલે તોળાઈ રહેલા ભૂકંપ અને સુનામી સાથે જોડે છે. અગાઉ ઇન્ડોનેશિયામાં એક ઓરફિશ કિનારે તણાઈ આવી એના ૬ દિવસ પછી ૩૧ ઑગસ્ટે ઇન્ડોનેશિયામાં ૬ જ્વાળામુખી ફાટ્યા હતા. ૨૦૨૬માં બે અન્ય ઓરફિશ જોવા મળ્યા બાદ થોડા દિવસોમાં ભૂકંપ અથવા જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા.
મનીલામાં હવામાં બે ટ્રેઇનિંગ ઍરક્રાફ્ટ ટકરાયાં, ફિલિપીન્સના ૪ પાઇલટનાં મોત
ફિલિપીન્સની રાજધાની મનીલાની દક્ષિણે આવેલા બતાંગાસ પ્રાંતમાં એક અત્યંત ગોઝારી દુર્ઘટના બની હતી. ફિલિપીન્સ ઍર ફોર્સ (PAF)નાં બે ટ્રેઇનિંગ ઍરક્રાફ્ટ હવામાં એકબીજા સાથે ટકરાઈને ક્રૅશ થતાં ૪ પાઇલટનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. શુક્રવારે ફર્નાન્ડો ઍર બેઝ પર ટ્રેઇનિંગ ચાલી રહી હતી ત્યારે આ બન્ને SF-260 વિમાનો હવામાં ટકરાઈને ઍર બેઝના મેદાનમાં જ તૂટી પડ્યાં હતાં. સદ્નસીબે જમીન પર અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી.
કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં મળ્યો કુદરતી ગૅસનો જથ્થો
સરકારી કંપની ઑઇલ ઇન્ડિયા લિમિટેડને કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં કુદરતી વાયુ (નૅચરલ ગૅસ)નો મોટો જથ્થો મળી આવ્યો છે. સમુદ્રના છીછરા પાણીમાં મત્સ્યપુરી ફૉર્મેશનમાં એક બ્લૉકમાં આ ગૅસ મળી આવ્યો છે. કંપનીએ આ બ્લૉક ડિસ્કવર્ડ સ્મૉલ ફીલ્ડ (DSF) બિડિંગ પ્રક્રિયામાં મેળવ્યો હતો. એમાં આશરે બે લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પર ડે (SCMD) ગૅસનો જથ્થો છે. આ શોધના કારણે દેશમાં નૅચરલ ગૅસના ઉત્પાદનને વધારવામાં મદદ થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.