ન્યૂઝ શોર્ટમાં : એક્સ પ્લૅટફૉર્મ કલાક સુધી દુનિયાભરમાં ડાઉન રહ્યું અને વધુ સમાચાર

22 December, 2023 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હકાલપટ્ટીની સેન્ચુરી, લોકસભામાંથી વધુ ત્રણ સંસદસભ્યોને સસ્પેન્ડ કરાયા, નીતિન કામથની નૅશનલ સ્ટાર્ટ-અપ ઍડ્વાઇઝરી કાઉન્સિલમાં નિમણૂક અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી: એક્સ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ (પહેલાંનું નામ ટ્વિટર) ગઈ કાલે સવારે ડાઉન હતું. યુઝર્સને કોઈ ટ્વીટ્સ જોવા નહોતી મળી. જોકે એક કલાક કરતાં વધારે સમય સુધી આ ટ્વિટર સર્વિસ ખોરવાઈ ગયા બાદ એ ફરીથી શરૂ થઈ હતી. એક્સ ઍપ અને વેબસાઇટ પર યુઝર્સ થોડા સમય માટે કોઈ પણ ટ્વીટ્સ જોઈ નહોતા શકતા. ફૉલોઇંગ, ફૉર યુ અને લિસ્ટ્સ સહિતનાં સેક્શન્સ ખાલી હતાં. આ સમસ્યા માત્ર ભારતીય યુઝર્સ પૂરતી સીમિત નહોતી, સમગ્ર દુનિયામાં આઉટેજ હતું. ઇલૉન મસ્કની માલિકીના આ પ્લૅફૉર્મ પર છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક વખત ટેક્નિકલ પ્રૉબ્લેમ્સ આવ્યા છે.

હકાલપટ્ટીની સેન્ચુરી, લોકસભામાંથી વધુ ત્રણ સંસદસભ્યોને સસ્પેન્ડ કરાયા

નવી દિલ્હી (પી.ટી.આઇ.): કૉન્ગ્રેસના ત્રણ સંસદસભ્યોને ધાંધલધમાલ મચાવવા બદલ વિન્ટર સેશનના બાકી સેશન્સ માટે ગઈ કાલે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સંસદસભ્યોની સંખ્યા ૧૦૦ પર પહોંચી ગઈ છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્‍‍લાદ જોશીએ ડી. કે. સુરેશ, દીપક બૈજ અને નકુલ નાથને સસ્પેન્ડ 
કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. જોશીએ કહ્યું હતું કે ‘આ ગૃહે દીપક બૈજ, ડી. કે. સુરેશ અને નકુલ નાથની ગેરવર્તણૂકની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે પ્લેકાર્ડ્ઝ બતાવ્યાં અને ગૃહની વેલમાં ધસી ગયા હતા.’

નીતિન કામથની નૅશનલ સ્ટાર્ટ-અપ ઍડ્વાઇઝરી કાઉન્સિલમાં નિમણૂક

નવી દિલ્હી : ઝિરોધાના કો-ફાઉન્ડર અને સીઈઓ નીતિન કામથની કેન્દ્ર સરકારના નૅશનલ સ્ટાર્ટ-અપ ઍડ્વાઇઝરી કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રએ ૧૮ ડિસેમ્બરે કરેલી જાહેરાત મુજબ આ કાઉન્સિલના ૩૧ નવા સભ્યો પૈકી નીતિન કામથ પણ છે. 
નીતિન કામથે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે સરકારની પહેલ અને સંદેશાનો આભારી છું કે આજે વધુ ને વધુ ભારતીયો ઉદ્યોગ સાહસિક બનવા ઇચ્છે છે. આપણે રાષ્ટ્ર તરીકે એક ખાસ કામ એ કરવાની જરૂર છે કે સ્થાનિક મૂડીને સ્ટાર્ટ-અપ્સ માટે ખોલી દેવી જોઈએ. વિદેશી મૂડી પરનો આધાર ઘટાડવો જોઈએ અને ભારતીયોને ભારતીય સ્ટાર્ટ-અપ્સ તરફ વાળવા જોઈએ. અહીં નોંધનીય છે કે નૅશનલ સ્ટાર્ટ-અપ ઍડ્વાઇઝરી કાઉન્સિલની જાન્યુઆરી ૨૦૨૦માં કેન્દ્ર દ્વારા રચના કરવામાં આવી હતી. જેનો હેતુ દેશમાં ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.

પ્રાગ યુનિવર્સિટીના ગોળીબારમાં ૧૫ લોકોનાં મોત

પ્રાગઃ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં પ્રાગ યુનિવર્સિટીમાં એક વ્યક્તિએ ગોળીબાર કરતાં ૧૫ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કેટલાક ઈજા થઈ છે. ચેક પોલીસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘પ્રાગની જન પલાચ સ્ક્વેર ખાતે એક ઇન્સ્ટિટ્યૂટમાં ગોળીબારનો એ જવાબ આપી રહી છે. બાદમાં એણે જણાવ્યું હતું કે હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે. પોલીસે ગઈ કાલના આ ગોળીબારમાં મૃત્યુ પામનારાઓ કે સંજોગો વિશે કોઈ માહિતી આપી નથી.

national news new delhi twitter social media