05 September, 2023 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : આગામી શનિ તથા રવિવાર દરમ્યાન G20ની મહત્ત્વની બેઠકો યોજાવાની છે, એને ધ્યાનમાં રાખીને દિલ્હી, નોએડા અને ગુરુગ્રામમાં આવેલી કંપનીના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવા જણાવાયું છે. આ દિવસો દરમ્યાન અંદાજે ૨૯ દેશોના વડા સહિત યુરોપિયન યુનિયનના ટોચના અધિકારીઓ પણ હાજર રહેવાના છે. દિલ્હીની તમામ પ્રાઇવેટ અને સરકારી ઑફિસો પણ ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન બંધ રહેવાની છે. નવી દિલ્હી જિલ્લામાં આવેલી બૅન્કો અને માર્કેટો પણ ત્રણ દિવસ દરમ્યાન બંધ રહેશે. દિલ્હી સરકારે પણ આ સમયગાળા દરમ્યાન પોતાના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવા માટે જણાવ્યું છે.
વૉશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે ‘આ સપ્તાહ ભારત જવાને લઈને હું ઘણો ઉત્સાહિત છું, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ન આવી રહ્યા હોવાનું જાણીને થોડો નિરાશ છું.’ બાઇડન ભારત આવવા સાત તારીખે રવાના થશે, જેમાં G20 સમિટમાં ભાગ લેવા ઉપરાંત એ વડા પ્રધાન મોદી સાથે દ્વીપક્ષીય વાતચીત પણ કરશે. બાઇડન અને જિનપિંગ છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં મળ્યા હતા.
સુરત : વેબસાઇટનો ઉપયોગ કરીને બોગસ આધાર, પૅન કાર્ડ અને વોટર આઇડી કાર્ડ બનાવનાર બે વ્યક્તિની ગઈ કાલે સુરતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમની આ પ્રવૃત્તિથી દેશની સુરક્ષા માટે જોખમ ઊભું થાય એવી શક્યતા છે. આ બન્ને આરોપીઓએ બે લાખ આધાર અને પૅન કાર્ડ બનાવ્યાં હતાં તેમ જ એને ૧૫થી ૨૦૦ રૂપિયામાં વેચતા હતા. એક પ્રાઇવેટ લૅન્ડરે કરેલી ફરિયાદના આધારે આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેમણે ખોટા ડૉક્યુમેન્ટ્સને આધારે લોન લીધી હતી રૂપિયા પાછા આપ્યા નહોતા. જે મામલે છેતરપિંડીના કેસમાં કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન એક વ્યક્તિની ઓળખ પ્રિન્સ હેમંત પ્રસાદ તરીકે કરવામાં આવી હતી જે આ ખોટા આધાર અને પૅન કાર્ડનો ઉપયોગ બૅન્કની લોન મંજૂર કરવામાં તેમ જ સિમ કાર્ડ ખરીદવામાં કરતો હતો.
નવી દિલ્હી (પી.ટી.આઇ) ઃ સુપ્રીમ કોર્ટે સોમવારે નૅશનલ કૉન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોનને ભારતીય બંધારણ પ્રત્યે વફાદાર હોવાનું એક ઍફિટેવિટ જમા કરવા કહ્યું હતું. તેમણે ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતાં ઘણા વિવાદ સર્જાયા હતા. ડીવાય ચંદ્રચૂડની પાંચ જજોની બેન્ચે જણાવ્યું હતું કે ‘મોહમ્મદ અકબરે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને પણ પડકારતી અરજી કરી હતી, જેના માટે તેમણે મંગળવાર સુધીમાં ઍફિડેવિટ જમા કરાવવાનું રહેશે.’
વરિષ્ઠ વકીલ કપિલ સિબલે કહ્યું કે જ્યાં સુધી મોહમ્મદ અકબર લોન ઍફિડેવિટ જમા નહીં કરાવે ત્યાં સુધી હું તેનું પ્રતિનિધિત્વ નહીં કરું. કપિલ સિબલે વધુમાં કહ્યું કે તે લોકસભામાં સંસદસભ્ય છે, તેણે ભારતીય નાગરિક હોવાથી બંધારણીય રીતે જ તેમના પદના શપથ લીધા છે. તે ભારતના સાર્વભૌમત્વને સ્વીકારે છે.
સૉલિસિટર જનરલ તુષાર મહેતા, કેન્દ્ર તરફથી હાજર થતાં બેન્ચને જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે મોહમ્મદ અકબર લોન ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા બદલ માફી માગે.’