21 April, 2025 09:53 AM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો બે દિવસથી વાઇરલ થયો છે જેમાં નેહા રાણા નામની એક યુવતી દાવો કરે છે કે હિમાચલ પ્રદેશના પૂહમાં ઇન્ડિયન આર્મીએ તેનો અને તેની સાથે પ્રવાસ કરતા બીજા વીસ જણનો ઘાતક સ્નોફૉલમાંથી જીવ બચાવ્યો હતો.
નેહા રાણાએ મૂકેલા વિડિયોમાં તે જણાવે છે કે ‘થૅન્ક્સ ટુ ઇન્ડિયન આર્મી, વર્ના ભઈ હમ તો રાત મેં જમ જાતે. તમે રિયલ લાઇફમાં હીરો જોયા છે? મેં જોયા છે. ૨૦૨૫ની ૨૮ ફેબ્રુઆરીએ જ્યારે અમે કાઝાથી કલ્પા જવા નીકળ્યાં તો અમને ખબર નહોતી કે અમે જીવન-મરણના ભયાનક અનુભવનો સામનો કરીશું. પૂહ પહોંચતાં પહેલાં બરફ પડવાનો શરૂ થયો હતો, રસ્તા સ્લિપરી બની ગયા હતા, રોડ પર દેખાવાનું બંધ થઈ ગયું હતું, અમે અમારી હોટેલથી માત્ર ૧૫ કિલોમીટર દૂર હતાં ત્યારે અમને ન્યુઝ મળ્યા કે બરફનો પહાડ તૂટીને નીચે આવી ગયો છે, મતલબ કે અૅવલાન્શ. અમને પૂહ ચેક-પોસ્ટ પર રોકવામાં આવ્યાં, મિડનાઇટ હતી. અમને ખબર હતી કે અમે ફસાઈ ગયાં છીએ, ભારતના સૌથી ખતરનાક રોડ પર. અમે ઠરી રહ્યાં હતાં. અમારી પાસે ફૂડ નહોતું કે આશ્રય નહોતો, પણ એ સમયે ઇન્ડિયન આર્મી અમારી મદદે આવી. તેમણે અમારા માટે માત્ર કૅન્ટૉનમેન્ટ ખોલી નાખી એટલું જ નહીં, તેમણે અમને ફૂડ આપ્યું, આશ્રય આપ્યો અને હીટર આપ્યાં. આ સિવાય અમે જે ગુમાવી બેઠાં હતાં એ આશા જગાવી. અમે વીસ જણ હતાં, પણ તેમણે અમને બચાવ્યાં. અમને કહ્યું કે તમે અહીં સલામત છો. તેમણે અમારી સંભાળ રાખી.’
નેહા રાણાએ જે પોસ્ટ લખી છે એમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું હતું કે ‘બેથી ત્રણ દિવસ સુધી રસ્તા બંધ હતા. તેમણે પરિવારની જેમ અમારી કાળજી રાખી. મેં ફક્ત ફિલ્મોમાં હીરો જોયા હતા, પણ એ દિવસે મેં વાસ્તવિક જીવનમાં હીરો જોયા. જય હિન્દ.’