ગાંધી, ગોડસે અને ગુજરાત

06 April, 2023 12:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત સરકારે સાંપ્રદાયિક ધિક્કારની લાગણી ફેલાવતાં સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી.

તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી

એનસીઈઆરટી (નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ)એ એની ધોરણ-૧૨ની પૉલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીની નવી ટેક્સ્ટબુક્સમાં મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસેના સંબંધિત લખાણમાં ફેરફારો કર્યા છે. એનસીઈઆરટીએ ટેક્સ્ટબુક્સમાં હિન્દુ-મુસ્લિમ એકતા માટે મહાત્મા ગાંધીના પ્રયાસો પ્રત્યે હિન્દુ ઉગ્રવાદીઓના અણગમા, ગાંધીજીની હત્યા બાદ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) પર પ્રતિબંધ તેમ જ તેમના હત્યારા નથુરામ ગોડસે માટે ‘બ્રાહ્મણ’ તરીકેના ઉલ્લેખને હટાવી દીધા છે. આ સુધારા સાથેની ટેક્સ્ટબુક્સને શૈ​ક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે એનસીઈઆરટી દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. 

ધોરણ-૧૨ની પૉલિટિકલ સાયન્સની નવી ટેક્સ્ટબુક ‘પૉલિટિક્સ ઇન ઇન્ડિયા સીન્સ ઇન્ડિપેન્ડન્સ’ની એના જૂના વર્ઝનની સાથે સરખામણી કરવામાં આવતાં જોવા મળ્યું હતું કે મહાત્મા ગાંધીના સંબંધમાં ચોક્કસ ઉલ્લેખોને એનસીઈઆરટી દ્વારા ડિલીટ કરવામાં આવ્યા છે. 

આરએસએસ વિશેનું એ લખાણ પણ ડિલીટ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ભાગલાને સંબંધિત રોષ અને હિંસા અચાનક શમી ગયાં હતાં. ભારત સરકારે સાંપ્રદાયિક ધિક્કારની લાગણી ફેલાવતાં સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવાં સંગઠનો પર થોડાક સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાંપ્રદાયિક પૉલિટિક્સની અસરો નાબૂદ થવા લાગી.’

એનસીઈઆરટી દ્વારા ૧૧મા ધોરણની સોશ્યોલૉજીની ટેક્સ્ટબુકમાંથી ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોનો ઉલ્લેખ કરતો એક ભાગ હટાવવામાં આવ્યો છે. આ પહેલાં ધોરણ ૧૨ની બે ટેક્સ્ટબુકમાંથી ગુજરાતમાં ૨૦૦૨ દરમ્યાન થયેલી કોમી હિંસાનો રેફરન્સ હટાવવામાં આવ્યો હતો. ધોરણ ૧૧ની ટેક્સ્ટબુકમાંથી આ પૅરેગ્રાફ હટાવવામાં આવ્યો એની ગયા વર્ષે એનસીઈઆરટી દ્વારા અભ્યાસક્રમમાં સુધારા માટેની બુકલેટ્સમાં જાહેરાત નહોતી કરવામાં આવી. 

આ લખાણ ડિલીટ કરવામાં આવ્યું

૧) હિન્દુ-મુસ્લિમ એકતા માટે તેમના (ગાંધીજીના) મક્કમ પ્રયાસોએ હિન્દુ ઉગ્રવાદીઓને એટલા ઉશ્કેર્યા હતા કે તેમણે ગાંધીજીની હત્યા માટે અનેક પ્રયાસો કર્યા હતા.

૨) તેમને (ગાંધીજીને) ખાસ કરીને એવા લોકો નાપસંદ કરતા હતા જેઓ ઇચ્છતા હતા કે હિન્દુઓ બદલો લે કે પછી મુ​સ્લિમો માટે પાકિસ્તાન રચાયું એ રીતે ભારત હિન્દુઓ માટે એક દેશ બને.

national news new delhi mahatma gandhi nathuram godse gujarat riots