28 May, 2026 03:34 PM IST | Telangana | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ એએનઆઈ
સિકંદરાબાદ (Sikandrabad) સરકારી રેલવે પોલીસ (Government Railway Police) અને રેલવે સુરક્ષા દળ (Railway Protection Force)એ એક સંયુક્ત ઓપરેશન દરમિયાન મુંબઈ (Mumbai)થી સિકંદરાબાદ લવાતી રુપિયા ૧.૨૨ કરોડથી વધુની હવાલાની રકમ જપ્ત કરી છે. આ મામલામાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૬ મેના રોજ ટ્રેન નંબર 17057 દેવગીરી એક્સપ્રેસ (Devagiri Express)માં જીઆરપી (GRP) અને આરપીએફ (RPF)ના સંયુક્ત ચેકિંગ દરમિયાન બોલારમ (Bolarum) અને મલકાજગિરી (Malkajgiri) રેલવે સ્ટેશનો વચ્ચે બપોરે આશરે ૩ વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં (Mumbai to Hyderabad hawala money seizure)
આવ્યો હતો. તેની પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી.
અટકાયત કરાયેલા વ્યક્તિની ઓળખ વિજય અંબાદાસ ગુપ્તા (ઉંમર ૪૦ વર્ષ) તરીકે થઈ છે, જે મહારાષ્ટ્ર (Maharashtra)ના અમરાવતી (Amravati) જિલ્લાના સાઈ નગર, બૃંદાવન કોલોનીનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન વિજય ગુપ્તાએ ખુલાસો કર્યો હતો કે ૨૫ મેના રોજ તેને મુંબઈમાં `કાંથા જ્વેલરી` ચલાવતા સંતોષ સેઠ નામના વ્યક્તિ પાસેથી રુપિયા ૧,૨૨,૭૦,૦૦૦ મળ્યા હતા. સંતોષ સેઠની સૂચના મુજબ, તે આ રકમ દેવગીરી એક્સપ્રેસ દ્વારા સિકંદરાબાદ લાવી રહ્યો હતો, જેથી સિકંદરાબાદના મોન્ડા માર્કેટમાં જ્વેલરીની દુકાન ચલાવતા બંટી નામના વ્યક્તિને સોંપી શકાય.
પોલીસના જણાવ્યા મુજબ, આ રકમ પહોંચાડવાના બદલામાં વિજય ગુપ્તાને રુપિયા ૫,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. પ્રાથમિક તપાસમાં આ રકમ જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલા હવાલાના વ્યવહારોની હોવાનું બહાર આવ્યું છે. જો કે, આરોપી રોકડ સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો અને રકમના સ્ત્રોત, માલિકી કે ઉપયોગ અંગે પણ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.
ત્યારબાદ બે પંચ સાક્ષીઓની હાજરીમાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન, ઓળખપત્ર અને મુસાફરીની ટિકિટ પણ જપ્ત કરી લીધી છે. જપ્ત કરાયેલી રોકડમાં રુપિયા ૫૦૦ની દરની ૨૪,૦૦૦ નોટો (એટલે કે રુપિયા ૧.૨૦ કરોડ), રુપિયા ૨૦૦ની દરની ૩૦૦ નોટો (એટલે કે રુપિયા ૬૦ હજાર) અને રુપિયા ૧૦૦ની દરની ૨,૧૦૦ નોટો (એટલે કે રુપિયા ૨.૧૦ લાખ) નો સમાવેશ થાય છે.
આ સરાહનીય કામગીરી જીઆરપી સિકંદરાબાદના સ્ટેશન હાઉસ ઓફિસર બી. સાઈશ્વર ગૌડ, એસઆઈઆરપી ટી. માધવ અને તેમની ટીમે આરપીએફના અધિકારીઓ સાથે મળીને કરી હતી. આ સમગ્ર કાર્યવાહીની દેખરેખ રેલવે પોલીસ અધિક્ષક સંદીપ આઈપીએસ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ કરી હતી. રેલવે અને રોડ સેફ્ટીના આઈજી કે. રમેશ નાયડુ આઈપીએસ દ્વારા આ સફળ કામગીરી બદલ જીઆરપી સિકંદરાબાદ અને આરપીએફની ટીમની પ્રશંસા કરવામાં આવી છે.