મુંબઈના શ્રીકાંત એકનાથ શિંદે ને ગુજરાતના નરહરિ અમીનને સંસદ રત્ન અવૉર્ડ મળશે

25 May, 2026 09:03 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સરકારે આ વર્ષના અવૉર્ડ્સની કરી જાહેરાત, ૧૨ સંસદસભ્યો અને ૪ સંસદ સમિતિઓનું સન્માન થશે

શ્રીકાંત એકનાથ શિંદે, નરહરિ અમીન

આ વર્ષના પ્રતિષ્ઠિત ‘સંસદ રત્ન અવૉર્ડ્‍સ’ની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. એક ખાનગી સંસ્થા પ્રાઇમ પૉઇન્ટ ફાઉન્ડેશનના સત્તાવાર નિવેદન અનુસાર આ વર્ષે વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ ૧૨ સંસદસભ્યો અને ૪ સંસદીય સમિતિઓની સંસદ રત્ન અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતના રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીન અને મહારાષ્ટ્રના શિવસેનાના સંસદસભ્ય શ્રીકાંત એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે.

૧૨ સંસદસભ્યો કોણ?

ચાલુ વર્ષના બજેટસત્રના અંત સુધી સંસદમાં કરેલી શાનદાર કામગીરી, પ્રશ્નોત્તરી અને ચર્ચાઓમાં ભાગીદારીના આધારે જગદંબિકા પાલ (BJP, ઉત્તર પ્રદેશ), પી. પી. ચૌધરી (BJP, રાજસ્થાન), નિશિકાંત દુબે (BJP, ઝારખંડ), શ્રીકાંત એકનાથ શિંદે (શિવસેના, મહારાષ્ટ્ર), નરહરિ અમીન (BJP, ગુજરાત) ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન, પ્રવીણ પટેલ (ઉત્તર પ્રદેશ), બિદ્યુત બરન મહતો (ઝારખંડ), લુમ્બારામ ચૌધરી (રાજસ્થાન), હેમંત વિષ્ણુ સવારા (મહારાષ્ટ્ર), સ્મિતા ઉદય વાઘ (મહારાષ્ટ્ર), નરેશ ગણપત મ્હસ્કે (મહારાષ્ટ્ર), મેધા વિશ્રામ કુલકર્ણી (મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.

૪ સંસદીય સમિતિઓ 

સંસદસભ્યો ઉપરાંત સંસદની ૪ મહત્ત્વની સમિતિઓને પણ તેમના ઉત્કૃષ્ટ રેકૉર્ડ અને કામગીરી માટે અવૉર્ડ એનાયત કરવામાં આવશે. એમાં કૃષિ સમિતિના અધ્યક્ષ ચરણજિત સિંહ ચન્ની (ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન), નાણાકીય સમિતિના અધ્યક્ષ ભર્તૃહરિ મહતાબ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ સપ્તગિરિ શંકર ઉલાકા અને કોલસા અને ખાણ સમિતિના અધ્યક્ષ અનુરાગ ઠાકુરનો સમાવેશ થાય છે.

આ અવૉર્ડવિજેતાઓની યાદીમાં જગદંબિકા પાલ અને ચરણજિત સિંહ ચન્નીના રૂપમાં બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને નરહરિ અમીનના રૂપમાં એક ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સામેલ છે, જેઓ વર્તમાન ગૃહમાં પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે.

national news india parliament indian government gujarat politics