12 June, 2024 01:04 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
મોહન ચરણ માઝી
ચાર વખત ચૂંટાઈ આવેલા અને અજાણ્યા ચહેરા એવા મોહન ચરણ માઝી ઓડિશાના મુખ્ય પ્રધાન બનશે. ભારતીય જનતા પાર્ટી (BJP) પહેલી વાર ઓડિશામાં સરકાર બનાવી રહી છે. એ સિવાય કે. વી. સિંહદેવ અને પ્રવતી પરિદા નાયબ મુખ્ય પ્રધાન બનશે. આજે સાંજે શપથવિધિ સમારોહ યોજાશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. બાવન વર્ષના માઝી કેઓન્ઝાર મતદારસંઘમાંથી ચૂંટાઈ આવ્યા છે અને તેમને પાર્ટીના સંગઠનના કામકાજનો બહોળો અનુભવ છે. કે. વી. સિંહદેવ ૬ વારના વિધાનસભ્ય છે અને અગાઉના પટના પ્રિન્સલી સ્ટેટના રાજવી છે. ૫૭ વર્ષનાં પ્રવતી પરિદા ૨૮ વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે અને આ વખતે પહેલી વાર વિધાનસભામાં ચૂંટાયાં છે.
ઓડિશામાં BJPના નવા મુખ્ય પ્રધાન ક્યાં રહેશે એ મોટો સવાલ
ઓડિશામાં આજે સાંજે ભારતીય જનતા પાર્ટી (BJP)ની નવી સરકાર રચાવાની છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે નવા મુખ્ય પ્રધાન મોહન માઝી ક્યાં રહેશે? નવા મુખ્ય પ્રધાન માટે નવા સત્તાવાર ઘરની શોધખોળ ચાલી રહી છે, કારણ કે ૨૦૦૦થી મુખ્ય પ્રધાન રહેલા નવીન પટનાયક ભુવનેશ્વરમાં તેમના વ્યક્તિગત ઘર નવીન નિવાસમાં જ રહેતા હતા અને એ જ મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન રહ્યું હતું.
૨૦૦૦ની સાલમાં તેમને સરકારી નિવાસસ્થાન ફાળવવામાં આવ્યું હતું, પણ નવીનબાબુએ તેમના પપ્પા અને ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીજુ પટનાયકે બાંધેલા ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને આમ મુખ્ય પ્રધાન માટે નિવાસસ્થાનની વ્યવસ્થા થઈ જ નહોતી.
જોકે હવે નવા મુખ્ય પ્રધાન મોહન માઝી માટે ઘર શોધાઈ રહ્યું છે. હાલમાં ચીફ મિનિસ્ટર્સ ગ્રીવન્સ સેલની ઑફિસમાં નવા મુખ્ય પ્રધાન માટે ઘર તૈયાર કરવામાં આવશે. જોકે તેઓ તાત્કાલિક ત્યાં રહેવા નહીં જઈ શકે, કારણ કે એમાં ઘણા સુધારાવધારા કરવામાં આવશે. હાલમાં મુખ્ય પ્રધાન સ્ટેટ ગેસ્ટહાઉસમાં જ રહેશે. આજે સાંજે પાંચ વાગ્યે નવી સરકારની શપથવિધિ યોજાશે એમાં હાજરી આપવા નરેન્દ્ર મોદી ૨.૩૦ વાગ્યે ભુવનેશ્વર પહોંચશે. સાંજે પાંચ વાગ્યે જનતા મેદાનમાં શપથવિધિ સમારોહ યોજાશે.