05 March, 2026 09:07 AM IST | srinagar | Gujarati Mid-day Correspondent
ઈરાન પર થયેલા હુમલાનો વિરોધ કરવા ગઈ કાલે શ્રીનગરમાં પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટીનાં પ્રમુખ મેહબૂબા મુફ્તીએ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ડોનલ્ડ ટ્રમ્પનાં પોસ્ટર સળગાવ્યાં હતાં.
પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP)નાં વડાં મેહબૂબા મુફ્તીએ ગઈ કાલે શ્રીનગરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું જેમાં ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઇઝરાયલી લશ્કરી કાર્યવાહી અને ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની હત્યા અંગે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનાં પોસ્ટરો સળગાવ્યાં હતાં. મેહબૂબા મુફ્તીની પાર્ટીના સમર્થકોએ ખામેનેઈનાં પોસ્ટરો લઈને પ્રદર્શન દરમ્યાન અમેરિકા અને ઇઝરાયલવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મેહબૂબા મુફ્તીએ અમેરિકન ફાઇનૅન્સર જેફરી એપ્સટીનનું પોસ્ટર પણ સળગાવી દીધું હતું.
બાદમાં મેહબૂબા મુફ્તીએ વિરોધનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે હું તમારી સાથે શાંતિથી ઊભા રહેલા લોકો સાથે શાંતિથી ઊભી છું અને જે લોકો તમારો વિરોધ કરે છે તેમના વિરોધમાં ન્યાયના દિવસ સુધી ઊભી રહીશ. આ પોસ્ટમાં પોસ્ટરો સળગાવવામાં આવી રહ્યાં હોવાનાં દૃશ્યો પણ મૂકવામાં આવ્યાં હતાં.
મેહબૂબા મુફ્તી યુદ્ધ શરૂ થયાના પહેલા દિવસથી જ તીવ્ર ટીકા કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં તેમણે ભારત સરકાર અને જમ્મુ અને કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સની આગેવાની હેઠળની સરકાર બન્ને પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સ્પષ્ટ આક્રમણ તરીકે ઓળખાતી બાબતો પર મૌન રહેવાનો આરોપ લગાવ્યો હતો. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સ સરકારે ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા ઘોર આક્રમણ અને એના સર્વોચ્ચ નેતાની શહાદત પર મૌન રહેવાનું પસંદ કર્યું છે એનો અર્થ એ નથી કે જે લોકો અવાજ ઉઠાવે છે તેઓ કાયદા હેઠળ ગુનો નોંધવા યોગ્ય છે.
બીજી પોસ્ટમાં તેમણે ખામેનેઈની હત્યાને ઇતિહાસનો ખૂબ જ દુ:ખદ અને શરમજનક મુદ્દો ગણાવ્યો હતો, જેને તેમણે કેટલાક મુસ્લિમ દેશોના સ્પષ્ટ અને ગર્ભિત સમર્થન તરીકે ગણાવ્યું હતું. ઇતિહાસ સાક્ષી રહેશે કે કોણ ન્યાય માટે લડ્યું અને કોણે જુલમ કરનારાઓને મદદ કરી એમ મેહબૂબા મુફ્તીએ ઈરાનના લોકો માટે પ્રાર્થના કરતાં ઉમેર્યું હતું.