માયાવતીએ ભત્રીજાને પોતાનો રાજકીય વારસદાર બનાવ્યો

11 December, 2023 09:43 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં માયાવતીના કૅમ્પેનમાં આકાશ આનંદ મુખ્ય ચહેરો હતો. તે આ પાર્ટીનો નૅશનલ કોઑર્ડિનેટર છે.

લખનઉમાં ગઈ કાલે બહુજન સમાજ પાર્ટીની ઑફિસમાં પાર્ટીના નેતાઓની એક મીટિંગ દરમ્યાન પાર્ટીનાં સુપ્રીમો માયાવતી અને આકાશ આનંદ.

લખનઉઃ બહુજન સમાજ પાર્ટીનાં વડા માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમનો રાજકીય વારસદાર જાહેર કર્યો છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં માયાવતીના કૅમ્પેનમાં આકાશ આનંદ મુખ્ય ચહેરો હતો. તે આ પાર્ટીનો નૅશનલ કોઑર્ડિનેટર છે. માયાવતીએ ગઈ કાલે પાર્ટીની એક મહત્ત્વની મીટિંગમાં આ જાહેરાત કરી હતી. માયાવતી હમેશાથી પરિવારવાદી પૉલિટિક્સનો ખૂબ વિરોધ કરતાં રહ્યાં છે. જોકે તેમણે ૨૦૧૯માં તેમના ભાઈ આનંદ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જ્યારે ભત્રીજા આકાશને નૅશનલ કોઑર્ડિનેટર બનાવ્યા હતા. 

૨૮ વર્ષનો આકાશ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમ્યાન પૉલિટિક્સમાં આવ્યો હતો. એ સમયે માયાવતી અને બીએસપીના અન્ય ટોચના લીડર્સની સાથે તે અનેક ફોટોગ્રાફ્સમાં જોવા મળતો હતો. બીએસપીના લીડર ઉદયવીર સિંહે કહ્યું હતું કે સમગ્ર દેશમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની જવાબદારી આનંદને આપવામાં આવી છે.

આકાશ આનંદ સમક્ષ ત્રણ પડકારો 
૧) ગઈ લોકસભાની ચૂંટણી બીએસપી અને સમાજવાદી પાર્ટીએ સાથે મળીને લડી હતી. જોકે એનો ખાસ ફાયદો ન થયો, પરંતુ બીએસપીને ૧૧ સીટ્સ મળી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં આ સીટ્સની સંખ્યા વધારવા પર આનંદનું ફોકસ રહેશે.
૨) ફ્રીમાં રૅશન અને અન્ય યોજનાઓથી બીજેપીએ દલિતો અને અન્ય વંચિત વર્ગોમાં પોતાની વોટબૅન્ક બનાવી લીધી છે. એટલે બીએસપીએ પોતાની વોટબૅન્ક પાછી મેળવવા વધારે મહેનત કરવી પડશે.
૩) માયાવતી પહેલાંની સરખામણીમાં ઓછાં સક્રિય રહેવાને કારણે અનેક લીડર્સ પાર્ટી છોડી ચૂક્યા છે. એવામાં પાર્ટીમાં નવો જુસ્સો ભરવાનો પણ પડકાર રહેશે.

bahujan samaj party mayawati national news